Rushi Pancham Part 2
ત્યારે; અમે આજના જેટલા પૈસાદાર તો ન્હોતા કે આધુનિક પણ ન્હોતા પરંતુ અમે અમારાં પશુધનને ઘરના માંણહની જેમ સાચવતા. આ સૉમા પાંચમનો દિવસ એટલે પોતાના બળદોએ કરેલી સેવાના બદલામાં ખેડૂતે દાખેવેલ આભિજાત્ય શાલીન સદભાવ. વિના બોલી કરેલો વિવેક. તો, સામે છેડે પ્રતિભાવ દાખવતા બળદોનું પૂછ હલાવી શીંગડા હલાવી, માથું હલાવી ચામડી થથરાવી, કે,આંખોથી ડળક ડળક આંસુ પાડી અથવા એની ઘુઘરમાળના ઘુઘરા વગાડી પ્રતિભાવ પાઠવતા, પિતાતુલ્ય નહીં પણ ઋષિતુલ્ય એવા બળદને અમારા વડીલો પૂજતા. વારે તહેવારે એમને ય જીવતા જણની જેમ ચાંલ્લા કરાતા. શુકનના ગૉળ કંસાર કે લાડુ એને ખવડાવતા.બહેન દીકરીઓ રાખડીઓ બાંધતી. અરે,
એ વૃદ્ધ થતા ત્યારે એમને મા- બાપ સમા ગણી અંતિમ શ્વાસ સુધી એમને પાળતા પોષતા. એ તો ઠીક, મર્યા પછી
એમને ઋષિઓની જેમ સમાધિ અપાતી. જે ખેતરને એણે પોતાનું કર્યું/ ગણ્યું એ ખેતરની માટીમાં એ મટી જઇ ખાતર થઇ જતો.
ભારતીય ખેડૂત, એના બળદને બળદ નહીં પણ ઋષિ ગણી એની જીવનભરની સેવાની આવી ભારતીય આરતી ઉતારે છે. અમારા ખેડૂતજીવનમાં બાપ પછીનો કોઇ બીજો બાપ હોય તો આ બળદ છે. ઋષિ પછીનો કોઇ બીજો ઋષિ હોય તો આ બળદ છે. વંદન તમને અને તમારી જનેતાને મારા ઋષિઓ. હે ઋષિઓ, તમારી જનેતાઓ તો અમારી ય માતા છે.
મિત્રો, આજે ઋષિ પાંચમ કેમ છે....??!! એની જો કોઇને
ખબર પડશે તો,આ.. મારૂં લખ્યું સાર્થક ગણાશે.