આ છત્રીનું શું કામ છે હવે ,
ચાલને પલળી જઈએ .
ભીંજાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .
સારસ બેલડી સમ સાથે સાથે ફરીએ ,
આવ , અડોઅડ એકમેકની પાસે બેસીએ ,
શરમાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .
રહેતા'તા રોજ રોજ કોરાં કોરાં ,
પહેરી ફરતા'તા રોજ અવનવાં મ્હોરાં ,
ઓળખાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .
ચોરી છૂપી મળતા'તા રોજ ઉપવનમાં ,
પણ રહેતા'તા તો એકમેકના મનમાં ,
પરખાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .
આમ આંસુઓ પીને ક્યાં સુધી રહેવાનું ,
ડરી ડરીને ક્યાં લગી આમ જીવવાનું ,
પકડાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .
દિવસે વિરહનો મીઠો આનંદ લઈશું ,
ને રાત પડે રાતરાણીનાં રૂડાં ફૂલડાં થાશું ,
મહેંકાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .
ટીકાઓ તો 'જશ' કાયમ રહેશે ,
જેને જે કહેવું હશે તે કહેશે ,
છવાઇ જવાશે , થશે શું આથી વધારે ,
ચાલને પલળી જઈએ .