Today's Morning Mantra...Part 2🌷🌹💐🤝🙏🏻
દરેક માણસ પોતાના પૂરતો હોંશિયાર હોય છે. આપણે ઘણી વખત આપણી જાતને હોંશિયાર, વેલ એજ્યુકેટેડ, મોટા, પહોંચેલા અને શક્તિશાળી માનીને બીજાને ઇગ્નોર કરતા હોઇએ છીએ. જે વ્યક્તિમાં માણસને માણસ સમજવાની સમજણ નથી એને સમજુ કહેવો કેટલો વાજબી છે? વિદ્વાન, જ્ઞાની અને સમજુ એ છે જે દરેકને સમજુ સમજે છે. દરેક પાસેથી કંઇક શીખે છે. દરેકને સન્માન આપે છે. તમને સન્માન તો જ મળશે જો તમે બીજા સાથે માનપૂર્વક વર્તશો. સંબંધમાં આપણને સરવાળે એ જ મળતું હોય છે જે આપણે આપતા હોઇએ છીએ. આપણી ડિગ્રી કે આપણો હોદ્દો ક્યારેય આપણને મહાન કે સારા બનાવી ન શકે. આપણી સમજ, આપણો વ્યવહાર અને આપણું વર્તન જ આપણે કેવા છીએ એ સાબિત કરતું હોય છે. સંબંધો હવે શક્તિ, સંપત્તિ, સત્તા અને ક્ષમતા જોઇને બંધાવવા લાગ્યા છે. જે શક્તિશાળી છે એ પણ એવું માને છે કે, સત્તા છે એટલે આ બધા પાછળ પાછળ ફરે છે, સત્તા ન હોય તો કોઇ સામું પણ જુએ એમ નથી. તમારી પાસે એવા સંબંધો છે જેની પાછળ કોઇ કારણો નથી? બને તો બે-ચાર એવા સંબંધો રાખજો જેને આપણી સત્તા કે શક્તિ સાથે કંઇ લાગતું વળગતું ન હોય અને માત્રને માત્ર સ્નેહ અને સંવેદનાથી જ બંધાયેલા હોય. થોડુંક એ પણ વિચારજો કે, તમે પણ એવા છો ખરા કે કોઇને તમારી સાથે સંબંધ બાંધવાનું કે રાખવાનું મન થાય? બાકી બધું ખંખરી જુઓ, હળવાશ હશે તો જ સંબંધો સજીવન રહેશે અને જિંદગી જીવવાની મજા આવશે. મોટા ભાગે લોકો પોતાના ભાર નીચે જ દબાયેલા રહે છે. ભાર વેંઢારીને ફરતા હોઇએ તો પછી હળવાશ ક્યાંથી લાગવાની છે?
છેલ્લો સીન :
દરેક માણસની એક કક્ષા હોય છે. એ આપણાથી ઊંચી અથવા નીચી હોય શકે છે. જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં કોની કક્ષા કેવી અને કેટલી છે એ ગૌણ બની જવું જોઇએ, કારણ કે પ્રેમની કક્ષા સૌથી ઊંચી અને શ્રેષ્ઠ હોય છે.
💐 જય શ્રી કૃષ્ણ 🙏