સૂરજને ગૂડ મોર્નિંગ કહેવાનું શીખો,
ને ઝૂકીને ચાંદને સલામ કરો,
બીજાં તો કામ કરે ઉપરવાળો,
તમે માણસને ચાહવાનું કામ કરો.
તાજા દેખાવાની લ્હાયમાં,
જાત તમે સંતાડી રાખો કાં ફ્રીઝમાં,
બારીની બહાર કદી ડોકિયું કરો,
આભ મલકે છે એકમ કે બીજમાં.
ઘરમાં નહીં કે નહીં હોટેલમાં,
કોઈની પાંપણમાં રેશમી મુકામ કરો,
તમે માણસને ચાહવાનું કામ કરો.
અફલાતૂન સાંજ દિયો કડકડતી ભેટમાં,
છલકાવો કોઈની પિયાલી,
જાગીને જોશો તો ચહેરા પર દેખાશે,
જીવ્યાની જાહોજલાલી,
ગાવામાં, ચાહવામાં, છાપવામાં, આપવામાં,
ક્યાંક તો પોતાનું નામ કરો,
તમે માણસને ચાહવાનું કામ કરો.....
*સુરેશ દલાલ*