બસ કહેવાય કંઇક હવે મીરાબાઈ જેવું,
અથવા તો જુનાગઢના મ્હેતાભાઈ જેવું;
કર - તંબુર કરતાલ ધરે કલમને બદલે,
શબ્દો ય સંભળાવે, બસ શહેનાઈ જેવું;
આ અક્ષર તો અંધારામાં ભૂલા પડ્યા છે,
આ કાગળમાં નથી ક્યાંય રૂશનાઈ જેવું;
ગૂઢ થઇ રહ્યો છું, કે મૂઢ રહી ગયો છું?
છે બધી જ બાબતોમાં, બેપરવાઈ જેવું;
મેળવી આંખથી આંખ ચરણથી ઉઠાવી,
લાગ્યું તમને તેમાં ય આછકલાઈ જેવું ;
વિતાવી હશે રાત, એણે બેહદ મજામાં,
દિવસે જે કરે છે, એની ભરપાઈ જેવું;
એકવાર અનુભવ, અભાવનો કરી લો,
સમજાશે પછી તરતજ અધીરાઈ જેવું;
કોઈ હા કે ના, મારી ક્યાં આખરી છે?
સરળતા એ મારી, કે છે નબળાઈ જેવું?
આ ફોન પણ અમિત, સ્માર્ટ થઇ ગયા !
આવ્યું નહીં તને જ કેમ ઠાવકાઈ જેવું;
અમિત સોલંકી