આંસુની કિંમત
સમયની નિશાની બની આંખોમાં સમાઈ જાય છે આંસુ,
પાંપણની પાળે બંધાઈને ક્યારેક છલકાઈ જાય છે આંસુ...
સૂર્ખ ગાલોની લાલિમા પર છવાઈ જાય છે આંસુ,
બની તસવીર ચાહની એમાં સમાઈ જાય છે આંસુ...
સળગતી શીતલ જ્વાળામાં વેરાઈ જાય છે આંસુ,
પ્રણય સિંધુના નીરમાં જ્યારે લહેરાઈ જાય છે આંસુ...
સુતેલી સુપ્ત અભિલાષાને જગાવી જાય છે આંસુ,
સુખી સપનાની આશમાં પલકોને ભીંજવી જાય છે આંસુ...
ચાતક જેમ રાહ જોતાં નયનોમાં ખોવાઈ જાય છે આંસુ,
હ્ર્દયાક્રંદની વીણાના સૂરમાં પરોવાઈ જાય છે આંસુ...
પાનખરમાં પણ ભરવસંતે સરવાણી વરસી જાય છે આંસુ,
ક્ષિતિજે તાકતી આંખોમાં ખૂબ તરસી જાય છે આંસુ...
પ્રેમની મધુર મદિરા થકી ક્યારેક બહેકી જાય છે આંસુ,
બની સુમન અધર ચુંબનથી મહેકી જાય છે આંસુ...
ઇન્દ્રધનુષી આભામાં રેલાઈ જાય છે આંસુ,
તો ચકોર બની ચંદ્રકિરણોમાં ફેલાઈ જાય છે આંસુ...
પ્રિતમ કેરા સ્પર્શથકી જ્યારે લજાઈ જાય છે આંસુ,
બની ભ્રમર શતદલમાં ત્યારે બિડાઈ જાય છે આંસુ...
વાલમ વિરહની વાટમાં નાહક વગોવાઈ જાય છે આંસુ,
પ્રીતસાગરના મોતીની કિંમત સમજાવી જાય છે આંસુ...
શીતલ મારૂ...16/5/22.