શબ્દસૃષ્ટિ : મે : ૨૦૨૧ના અંકમાં એક અછાંદસ કવિતા.
ડાયોજિનસ
અછાંદસ
ભરત ખેની.
કો’ મહાનગરને રસ્તે.
આકાશી શમિયાણા નીચે,
ધરતી પર તાજા ઉગેલા અસંસ્કૃત ઘાસના પાથરણાં પર.
કરચલીવાળા ચહેરા પરની દાઢી ખંજવાળતો.
વસ્ત્ર વયનું ફગાવીને.
આદમજાતમાંથી પ્રામાણિક માણસ શોધવામાં આજ સુધી અસફળ રહેલો,
ભરબપ્પોરે પ્રજવલિત થતો જરીપુરાણો દીવો લઈ,
જગત વિશેના સર્વ ખ્યાલોથી નિશંક થઈ.
શિશિરની ઠરીને ઠીકરું થઈ ગયેલી સવારે,
ઈચ્છાના હાથ-પગને બાંધીને કગારે.
ઉઘાડી આંખોએ,
સૂતો છે એ.
ત્યાંજ,
વાયુવેગે આવ્યો રાજા.
થયો હુકમ કે,
શું જોઈએ છે બોલો જલ્દી મારા ખજાનેથી?
માંગી શકો તો માંગો તમારા ગજા પ્રમાણેથી.
કહો તો આપી દઉં
હણહણતો તોખાર
પડછંદ, પવનવેગી, તેજ 'ને ત્રિભંગી ડોકાળો,
વજ્જર છાતીવાળો, કેશ કાળા 'ને સુવાળો.
બૂસેફાલસ આ.
થિબ્ઝને જીતતા, લૂંટતા, સળગાવતા
મળી હતી જે
લાયસની પીઠમાં મારેલી,
જોકાસ્ટાએ પેટમાં હુલાવેલી,
ઓડિપસે પોતેજ પોતાની આંખોમાં ભોકાવી હતી એ.
પુરાણી, અળખામણી, નકટી કટાર આપું?
જોઈએ છે?
સાતે સાત સમુદ્રનાં મોતીની માળાઓ,
શાહી ભેટ સોગાદો કે હસીન બાળાઓ.
આપી દઉં હું
વીશ ફૂટ લાંબા ભાલાંના ભારાઓ,
અઢી મણની ઢાલોના આ ઢગલાઓ
તીરકસો ભરીને તીર આ અણિયાળાં
બખ્તરના બંધ લાલ આ લોહીયાળા.
નિરાંતે સઘળું સાંભળી,
શ્વાનકુંડલિકાસન ખોલતા બોલ્યો એ.
નથી જોઈતાં મારે ગડદા, ગોદા, ગાળો, લાતો કે યાતનાઓ,
રાખ તારી જ પાસે તું આંચકા, ફટકા, મુક્કા અને વેદનાઓ.
દૂર હટ... થોડો સૂર્યનો પ્રકાશ આવવા દે.
***
શબ્દસૃષ્ટિ : મે : ૨૦૨૧, ૨૩