એણે
આભ ભરેલી
રાત ઝૂંટવી લીધી
એમાં કેટકેટલી વારતાઓ હતી
જનમોજનમની
જેમાં નવલખ તારા અમે મઢેલા
દરેક શ્વાસની વારતા
અલગ માંડેલી
એ વારતા અમારું જીવતર હતી
હૈયું ભરાતું એનાથી
ભલે પેટ ખાલી રહેતું
ક્યારેક આંખોથી ઠલવાતું
પણ.....
પણ એ આવ્યો
અમારી લયમય
અમારી ભીનીભીની
અમારી પંચ વચ્ચે પીધેલી
હાથોહાથ લીધેલી
જેના તાલે ઝૂમતા
જેની વાદે જીવન જીવતા
એ હસતી તો હસતા
એ રડતી તો રડતા
એ વારતાઓ
હોકો ભરીને આપતી નિરાંત
ખેતર પાથરવા
ને શેઢા ઓઢવા આલતી
માળે મોભ બની ટીગાતી
ધોમ તડકે
ટાઢીબોળ ગાગર બની છલકાતી
કૈકેયીની આંગળી થઇને
ચક્ર ફેરવતી યુદ્ધમાં
ફુલ બની
રાતભર રહેતી
અમને કેદ કરી પાંદડીઓમાં
ખુલ્લા વાયરે વાતી બદન પર
મ્યાન બનીને ટોળે વળતી
એ વારતાઓ
બધીય વારતાઓ
અક્ષરશઃ
ચોરી લીધી
આખી રાત
એણે
જાણે
લીલાછમ ઓ વગડાની
આખી હોવાપણાની
સ્વાસની
આવનજાવન
અગનજ્વાળે
ભરખી લીધી
ભસ્મ કીધી.
#રાજેશ_વણકર