ઠસકું-
ફળ તો માંદા પડતા ત્યારે જ મળતાં!
માંદા માટે જ ફળ હોય એવું માનતા એ દિવસોમાં અમે!
કળતર આવતું તો ખાટલે પડ્યા રહેતા!
મોટાભાગે એકાદ દિવસમાં તો ઊભા થઇ જ જાતા!
પણ જો એકબે દિવસ કાંઈ ખવાય પીવાય નહિ
ને ઊઠીએ નહિ એટલે પપૈયું લાવી ખવડાવતાં!
થોડો વધારે તાવ લાગે ને સૂઈ રહીએ તો
ત્રણચાર દિવસમાં ચીકુ મળે!
વધારે નબળાઈ લાગે પોતાં મૂકવાં પડે
તો ચારપાંચ દિવસે સફરજન આવે!
છતાં ફેર ન પડે- દવાખાને લઇ જવા પડે
ને ઇન્જેક્શન આપવું પડે તો
પાંચછ દિવસે તરોફાં લાવીને પાતાં!
ગામમાં ન મળે તો શહેરથી મંગાવાતાં!
તેમ છતાં માંદગી લંબાય
ને બાટલા ચડાવવા પડે તો મોસંબી પાતાં!
દવાખાને દાખલ થવું પડે એવું લગભગ ન બનતું!
પણ દાખલ થવાનું થાય તો ભાવનગર લઇ જવાતા!
ને ત્યારે પપૈયાં, ચીકુ, સફરજન, તરોફાં ને મોસંબી
જે ભાવતું એની સાગમટે પણ વેતરણ કરી આપતા-
ઉછીનાપાછીના કરીને પણ!
સાજા થયા પછી પણ જો સોં ન વળે
દેહ લેવાઈ ગયો હોય પાંસળીયું દેખાતી હોય
ને આડોશપાડોશનું ખબર કાઢવા આવવાનું શરું થાય
ને કોઈ કેરી ખવડાવવાથી સોં વળે એવી ભલામણ કરે
તો સીઝન આવ્યે સળંગ દસપંદર દિવસ કેરીનું પણ ગોઠવે!
અભાવના એ દિવસોમાં માંદા પાડવાનો પણ એક વૈભવ!
બાળપણ ક્યારેય ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગીય હોય?
આવા વિચારે ચડું ત્યારે
હળવી ઉધરસનું ઠસકું આવી જાય મને!
એ દિવસોમાં થયેલી-
ક્ષયની બીમારીને લીધે આવતી સૂકી ઉધરસનાં ઠસકાં જેમ!
-ઘનશ્યામ સવાણી