શેન વોર્ન જતાં ઓસ્ટ્રેલિયાને મોટી ખોટ પડી. મૃતાત્માને ચિર શાંતિ મળો.
એ સાથે કહેવું રોકી શકતો નથી કે શરીરને ફિટ રાખવા કસરત, જિમ, યોગ, રનિંગ- કાંઈ પણ જરૂરી તો છે પણ શરીરને પૂછીને. ઓચિંતું વધારે કષ્ટ આપવાથી સ્નાયુઓ, ફેફસાં વગેરે નું બ્રેકડાઉન થઈ શકે છે. સહુથી ખતરનાક છે હૃદયનું વધુ થાકવું, over exertion. હૃદય પણ એક સ્નાયુ જ છે જે અનેક નાના સ્નાયુઓનો બનેલો છે જેમ કે કર્ણક, ક્ષેપક, વાલ્વ વગેરે. કોઈએક જગ્યાએ વધુ પડતું પ્રેશર આવે તો એનું તુરત ઊંડા શ્વાસ અને રિલેક્સ કરવું તાત્કાલિક જરૂરનું છે. એટલેજ યોગ નાં 40 કે 45 મિનિટના જ આદર્શ સેશન હોય છે અને દરેકને અંતે બે મિનિટ શવાસન કે ધ્યાન હોય છે.
જો વધુ પડતું ધબકતું હૃદય જાણે કે છાતી ફાડી બહાર નીકળી પડશે એમ લાગે કે લોહીનો મસ્તક કે શરીરમાં ભરાવો લાગે કે તુરત જ અટકવું પડે,ખાસ તો હેવી કસરતો વખતે.
ઉંમર સાથે સ્નાયુઓ પણ નબળા પડે છે એટલે 40ની ઉંમર પછી હેવી કસરતો બહુ ધીમે વધારવી જોઈએ ને એક લિમિટમાં અટકી જવું જોઈએ. 50 - 55 પછી અતિ હેવી કસરત નિવારવી જોઈએ. જવાનીને કહેતા નથી કે પાછી વળી જા પણ આપણી શક્તિને ક્યારેક વધુ પડતી આંકવામાં થાપ ખાઈ જઈએ છીએ. શેન વોર્ન ઉપરાંત ચાર મહિના પહેલાં જિમ માં વર્કઆઉટ બાદ હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર કન્નડ હીરો પુનિત કુમાર યાદ આવ્યો. એક ભારતીય ખૂબ સિનિયર પોલીસ અધિકારી થાઇલેન્ડની ટ્રીપમાં સ્વિમીંગ પુલમાં એટેક આવી મૃત્યુ પામેલા અને સ્વજનોને મૃતદેહ લાવતાં ખૂબ મુશ્કેલી પડેલી.
કોઈ મોટા ડોકટર મુંબઇમાં મેરેથોન દોડી ચૂકેલા પણ વધુ ફાસ્ટ કે લાબું દોડવા જતાં રસ્તા પર ફસડાઈને મૃત્યુ પામેલા. આ બધા કેસ શરીરની મર્યાદા ઓળંગવા જતાં કે વધુ સ્ટ્રેઇન લેતાં થયેલા.
મારો જ લેખ 65 ઉપરના માટે 'કાળની એ કઠિન કેડી' જનકલ્યાણ, બરછી વગેરે માં વાંચ્યો હશે. કોઈ પણ ઉંમરે શરીરને થકવવા ની એક લિમિટ વધારો તો ખૂબ હળવે હળવે અને અમૂકથી આગળ નહીં જ. સિગ્નલ મળે એટલે તરત અટકો.
જીવ છે તો શરીર છે ને શરીર છે તો ફિટનેસ છે.
કોઈ પણ ભૂલ કરી જાય એવું છે પણ દોઢસો દંડ કે સૂર્યનમસ્કાર, ઓચિંતું 10 કિમિ ઉપર દોડવા માંડવું, જીમમાં અતિ અઘરી લાગતી ચેલેન્જ લેવી , (ભલે ટ્રેનર સામે હોય, ખરે વખતે તે થતું અટકાવી શકશે નહીં) આવું એવોઇડ કરવું.
ફીટ રહેવું પણ ફીટનેસની માત્રામાં.