ગઝલ
રહ્યાં ઉત્તર અને દક્ષિણ છતાં મળતાં અમે જોયાં,
મીઠામધ નીરને ખારાશમાં ભળતાં અમે જોયાં.
નહીંતો આમ ગાંડીતુર થઇ દોડે નદી શેની?
મિલન કાજે અધૂરાં ખ્વાબ ઉછળતાં અમે જોયાં.
નથી સહેલું ખમી ડિલ પર ઉઝરડા પામવો પ્રીતમ,
છતાં એ વ્હેણને દરિયા તરફ વળતાં અમે જોયાં.
હશે ખેંચાણ કેવું પ્રીતમાં દરિયાનું જોઈ લો,
નદીનાં વેગથી પાષાણ પીગળતાં અમે જોયાં.
વજૂદ ખુદનું મિટાવીને નદી દરિયો બની જાતી,
પરસ્પર સ્નેહમાં સગપણને ઓગળતાં અમે જોયાં.
હિના શાહ " મહેંદી "