નમસ્તે મિત્રો,
કેમ છો બધાં? ઘણાં દિવસો પછી આજે અહીં કંઈક લખી રહી છું. આશા રાખું તમને ગમશે.
વાત શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી છે. પુરાણો અનુસાર એવું કહેવાય છે કે કર્ણના મૃત્યુ પછી તેમનો આત્મા જ્યારે સ્વર્ગમાં સિધાવ્યો ત્યારે સ્વર્ગના નિયમો અનુસાર એમને કરેલ કર્મોનું ફળ આપવાનું હતું. આથી ત્યાં તેમને ઘણું બધું સોનું આપવામાં આવ્યું. ઉપરાંત ઘરેણાં પણ પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવ્યાં. પરંતુ કર્ણએ ઘણી રાહ જોવા છતાં કોઈ ભોજન લઈને ન આવ્યું. આથી કર્ણએ તપાસ કરી.
ઈન્દ્ર દેવને પૂછ્યું કે, "ભોજનને બદલે મને સોનું અને ઘરેણાં કેમ આપવામાં આવ્યાં છે?" ત્યારે ઈન્દ્ર દેવે જવાબ આપ્યો કે, "હે દાનવીર! તમે આખી જિંદગી માત્ર સુવર્ણ જ દાન કર્યું છે. તમારા પૂર્વજોને તમે ક્યારેય ભોજનનું દાન કર્યું જ નથી. આથી તમે જે દાનમાં આપ્યું એ જ તમને અહીં પાછું મળ્યું."
આથી કર્ણ કહે છે કે, "મને મારા પૂર્વજો વિશે માહિતી જ ન હતી, એટલે હું ક્યારેય તેમને અન્નદાન કરી શક્યો નહીં."
પરંતુ કર્ણના સતકર્મોને લીધે એમને એમની ભૂલ સુધારવાની તક આપવામાં આવી અને સોળ દિવસ સુધી ફરીથી પૃથ્વી પર મોકલવામાં આવ્યા. આ સોળે સોળ દિવસ તેમણે પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ કરી, તેમને અન્નદાન આપી તેમની આત્માઓને તૃપ્ત કરી. ફરીથી તેમને સ્વર્ગમાં બોલાવી લેવામાં આવ્યા અને એમને યોગ્ય ભોજન પૂરું પાડવામાં આવ્યું.
આ સોળ દિવસ એ જ આપણો શ્રાદ્ધપક્ષ. આ દિવસોમાં પિતૃઓને તર્પણ કરેલું પુણ્ય સ્વરૂપે ફરીથી મળે છે.
નોંધ:- કેટલાંક વિસ્તારોમાં પૂનમનું શ્રાદ્ધ ભાદરવી પૂનમે થાય છે, જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં પૂનમનાં દિવસનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે, કારણ કે પૂનમ એ સુદ પક્ષમાં આવે છે. ઉપરથી એ મા અંબાનો પ્રાગટ્ય દિન પણ છે. આથી ઘણાં લોકો આ દિવસે શ્રાદ્ધ કરતાં નથી.
🙏