કદી કોઈનો ન રાખે ભાર એથી છે એ હરિ.
ઉન્નત હોય જેના વિચાર એથી છે એ હરિ.
સર્વજન હિતાય એ નિર્ણય કરનારો પ્રભુ,
ભક્ત કાજે ન લગાડે વાર એથી છે એ હરિ.
ક્ષમાભંડોળ એનું અખૂટ ભર્યું છે હૈયામાં,
સૌને એ છે તક આપનાર એથી છે એ હરિ.
સ્તુતિ નિંદા ઊભયથી સદાય એ પર રહે,
ભાવનાનો ભૂખ્યો પારાવાર એથી છે એ હરિ.
ભૂલી જાય છે અપરાધો મનુજનાં શ્રીહરિ,
ગુણ જોઈને કરે છે વ્યવહાર એથી છે એ હરિ.
બધાને એકસરખા ગજથી નથી માપનારો,
પનો જોઈને પછી આંકનાર એથી છે એ હરિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.