સુપ્રભાત !!
આજ સવાર માં ભાવનગર ના ખ્યાતનામ ડોક્ટર અને ચિંતક; સ્વનુભવે લખતા માનનીય ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબ ના બે પ્રસંગો વાંચવા મળ્યા
મિત્રો સાથે share કર્યા વગર કેમ રહી શકાય!! ????
બાળપણ માં મળેલ સદાચાર; ઘડતર અને સદાચારી માતા પિતા ના જીવન ની અસર સદા જીવન પર્યંત રહે છે, એમને કલિયુગ સ્પર્શી શકતો નથી !!!
નેત્ર પટ પર જ્યાં સુધી બાલ્ય અવસ્થાનું સંવેદનાસભર દ્રશ્યભજવાતું રહે ત્યાં સુધી હૈયા હેમ ના જ રહે !!!
*1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ્ ભાગવત તેમજ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઔર જ મજા આવતી.*
*મારા બાપુજીને છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.*
*‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.*
*કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.*
*અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.*
*એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.*
*પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાંતિ અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’*
*વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.*
*બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’*
*કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..*
*ડૉ. આઈ. કે. વીજળીવાળા*
2)
બપોરના બાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ લગભગ ૧૨૦ જેટલાં દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. બાળ-દર્દીઓને તપાસવા, એમના રિપોર્ટ જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું : એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલત હોય.
‘સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું.
‘શું થયું છે?’ મેં પૂછ્યું.
‘નાનું બાળક છે અને ખૂબ હાંફે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.
થોડીવારમાં જ એક માજી અને એક દીકરાને લઈને મારી ચેમ્બરમાં દાખલ થયાં. બંનેનાં કપડાં પરથી એમના ઘરની સ્થિતિનો તરત જ અંદાજ આવી જતો હતો. અનેક થીંગડાંવાળાં કપડાં બતાવી જ આપતાં હતાં કે એમની પરિસ્થિતિ કેવી હશે. બાળકને પણ એવાં જ ગાભામાં વીંટાળ્યું હતું. મેં એમને મારી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. માજી એ દીકરાને લઈને મારી બાજુમાં બેસી ગયાં.
‘ક્યા ગામથી આવો છો?’ મેં પૂછ્યું.
‘ગારિયાધારની બાજુના ગામડેથી’ માજીએ જવાબ આપ્યો.
‘બાળક કેટલા દિવસથી બીમાર છે?’
‘ત્રણ દિવસથી. ત્રણ દિ’પહેલાં એને ઉધરસ શરૂ થઈ હતી અને ગઈકાલથી ઊભો શ્વાસ થઈ ગયો છે.’ માજીએ કહ્યું.
મેં બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું. સાવ હાડપિંજર જેવું એ બાળક ધમણની માફક હાફતું હતું. કુપોષણ અને ઘણાં બધાં વિટામિનની ખામીથી એ કૃશ શરીર કાળું મેશ જેવું બની ગયું હતું. આંખો અર્ધી ખુલ્લી હતી. એનું શરીર પણ ખાસ્સું તપતું હતું. હાથપગના નખ ભૂરા થઈ ગયા હતા. આ બધી બાબતો એને બંને ફેફસામાં ન્યુમોનિયા થયો હોવાની ચાડી ખાતી હતી.
‘માજી ! આને દાખલ કરવો પડશે. કદાચ એને શ્વાસના મશીનની જરૂર પણ પડે (વેન્ટીલેટરની). એ સગવડ મારી પાસે નથી. તમે એક કામ કરો. ભાવનગરના સરકારી દવાખાને આને દાખલ કરી દ્યો. ત્યાં હવે આવી બધી સુવિધાઓ હોવાથી આ બાળકના બચી જવાની શક્યતા વધારે રહેશે.’ મેં કહ્યું. ભાવનગર મેડિકલ કોલેજ બન્યા પછી અહીંની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.
‘પણ બાપા ! અમે બે જ જણ આવ્યાં છીએ. અમને તો એમ હતું કે દવા લઈને પાછાં જતાં રહીશું !’ માજી બોલ્યાં.
‘નહીં માડી ! પાછાં જવાય એવું નથી. બાળક ખૂબ સિરિયસ છે. ઘરે દવા થઈ શકે એવું નથી લાગતું. તમારે એને દાખલ તો કરવું જ પડશે.’ મેં ભાર દઈને કહ્યું
‘પણ… ! પણ…’ માજી બે વખત ‘પણ’ બોલીને અટકી ગયાં. એને શું કહેવું હતું એનો અંદાજ લગાવતા હું બોલ્યો, ‘માડી ! તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. આ સરકારી દવાખાનું છે. ગરીબ માણસોને સાવ મફતમાં સારામાં સારી સારવાર ત્યાં મળે છે, એટલે તમે ખર્ચની ચિંતા નહીં કરતા.’
‘પણ અમે સાસુ-વહુ ત્રણસો રૂપિયા લઈને નીકળ્યાં છીએ ! એમાંથી ચોથા ભાગના ટિકિટમાં વયા ગ્યા. હવે અમારી પાસે માંડ બસોએક રૂપિયા વધ્યાં છે. અમારે દવા કે એવું કાંઈક લાવવું પડશે તો?’ માડીએ વાત કઈ જ નાખી.
મને એમના ખચકાટનું કારણ શું હોઈ શકે એનો લગભગ અંદાજ તો હતો જ. મેં એમને પાંચસો રૂપિયા આપ્યા અને કહ્યું, ‘માડી ! અત્યારે તમે આ લઈને જાવ અને દાખલ થઈ જાવ. એક વાર દીકરાની સારવાર શરૂ થઈ જાય પછી બીજું બધું જોયું જાશે.’
પરંતુ મારી નવાઈ વચ્ચે માજીએ એ લેવાની સાફ ના પાડી.
‘કેમ માડી?’ મેં કહ્યું. ‘અત્યારે આ લઈને તમે જલદી જાવ અને આને દાખલ કરી દ્યો.’
પણ મારો હાથ પાછો ઠેલતાં માજી બોલ્યાં, ‘ના સાહેબ ! અમે હમણાં બસટેંડે જઈને કો’ક ઓળખીતા ભેગું કે’વડાવશું એટલે ઘરે સમાચાર મળી જાશે. પછી આ ચોકરાનો બાપ ગમે ઈમ કરીને પૈસાનું કરશે. પણ તમારા થોડા લેવાના હોય?’
‘માડી !’ મેં કહ્યું, ‘અત્યારે એવો બધો સંકોચ છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે જતાવેંત મોંઘા ઈન્જેકશન લાવવાના થયા તો? તમે કહેવડાવો અને છોકરાનો બાપ વ્યવસ્થા કરીને બાવનગર આવે એટલી વારમાં તો મોડું ન થઈ જાય? એના કરતા આ પૈસા લેતા જાવ અને જલદી એને મોટા દવાખાનામાં દાખલ કરી દ્યો. અને હા ! જો ત્યાં દાખલ થયા પછી પણ કોઈ દવા કે ઈન્જેકશન લાવવા માટે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જજો. પણ હવે જલદી જાવ !’ મેં એમને સમજાવવાની કોશિશ કરી.
મારા આપેલા પૈસા લેવાની એમની જરા પણ ઈચ્છા નહોતી. પરંતુ મારી સમજાવટની અસર હોય કે પછી બાળકની ગંભીર સ્થિતિ એ ગમે તે હોય પણ માજીએ વધારે રકઝક કરવાનું માંડી વાળ્યું અને બાળકને લઈને સાસુ-વહુ સરકારી દવાખાને જવા રવાના થયાં.
એ વાતને ત્રણ દિવસ વીતી ગયા. ચોથા દિવસે બપોરે હું ઓપીડીના બાકી રહેલા છેલ્લા બાળદર્દીને તપાસી રહ્યો હતો. મેં મારા માણસને પૂછ્યું કે, ‘બહાર કોઈ છે હવે?’
‘હા સાહેબ ! ત્રણ દિવસ પહેલા જે સિરિયસ છોકરાને મોટા દવાખાને મોકલ્યો હતો એના દાદીમા બહાર બેઠાં છે. મોકલું?’
મેં હા પાડી. રોજની દોડધામમાં અમે એ વાત ભૂલી પણ ગયા હતા. પછી હું વિચારમાં પડી ગયો. મને થયું કે, ‘કદાચ પેલા છોકરા માટે વધારે મદદની જરૂર પડી હશે. નહીંતર મોટાભાગે તો બીજા દવાખાને મોકલેલા દર્દીના સગા ભાગ્યે જ મળવા આવતા હોય છે.’ હું આગળ કાંઈ વિચારું એ પહેલા જ પેલા માજી અંદર આવ્યા.
મેં માજીને બેસાડ્યાં. પછી પૂછ્યું, ‘બોલો માડી ! કેમ આવવું થયું?’
‘આ પેલા પાંચસો રૂપિયા પાછા આપવા આવી છું, સાહેબ !’ માજી બોલ્યાં.
‘પાછા આપવા? કેમ?’ મને નવાઈ લાગી.
‘હા સાહેબ ! પાછા આપવા આવી છું.’ માજીએ કહ્યું
‘પણ કેમ માડી?’
‘સાહેબ અમે મોટા દવાખાને ગયા પછી બે કલાકમાં જ દીકરો તો ગુજરી ગ્યો. ત્યાંના દાકતરે એકેય દવા બજારમાંથી નહોતી માંગવી. દીકરો તો ઈ પહેલા જ પાછો થયો હતો. તે દિ’તો અમે મૈયત લઈને ઘરે વયાગ્યા’તા. આજ જિયારત પત્યા પછી હું આ પૈસા દેવા આવી છું.’
‘પણ માડી, એ રાખવા હતા ને? ઘરમાં કામ આવત. એટલાક રૂપિયા માટે આટલો લાંબો ધક્કો થોડો ખવાય?’ મેં કહ્યું.
‘ના સાહેબ ! એ તો હરામના કે’વાય તમે તો દીકરાની દવા માટે આપ્યા’તા. દીકરો તો પાછો થયો. એના માટે ફદિયું પણ વપરાયું નહોતું. હવે ઈ પૈસા અમારે નો જ રખાય. તમે ઈ પાછા લઈ લ્યો.’ માડીએ મારા ટેબલ પર પૈસા મૂક્યા.
હું નિઃશબ્દ બની ગયો. આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે. ઘણી વખત અનુભવાય છે. પણ એ ક્ષણે હું જે જોઈ રહ્યો હતો એ થોડીક મિનિટો ચોક્કસપણે કહી શકાય કે કળિયુગની તો નહોતી જ ! ધરતી માનવીઓનો ભાર કદાચ એમ જ ઝીલી નહીં લેતી હોય. આવા લોકોના કારણે જ એ શક્ય બનતું હશે. ગામડામાં વસતો સાવ છેવાડાનો માણસ વ્યવહારમાં હજુ આવો અણીશુદ્ધ રહી શક્યો છે ત્યાં સુધી આ દેશની ચડતી જ હોય એવો વિશ્વાસ મને આવી ગયો. મારા દેશના આવા કહેવાતા ‘નાના’ પરંતુ હકીકતમાં ‘વિરાટ’ માણસો માટે મારી છાતી એકાદ ગજ ફૂલી ગઈ. આપણા સમાજની ઈમારતનો ઉપરનો માળ ઘણો સડી ગયેલો લાગે છે, પણ એનો પાયો હજુ મજબૂત છે એવી નક્કર હૈયાધારણ મળી ગઈ.
‘માડી !’ મેં માજીના હાથમાં પાંચસો રૂપિયા પાછા મૂકતા કહ્યું, ‘આ પૈસા તમારે રાખવાના છે. તમારી ઈમાનદારીના છે. નહીંતર આજના જમાનામાં આમ કોઈ ગાંઠના પૈસા ખર્ચીને પાછા આપવા આવે ખરું? તમે વાપર્યા કે નહીં એ હું ક્યાં જાણું છું કે ક્યાં પૂછવાનો હતો?’
‘પણ ઉપરવાળો તો પૂછશે ને?’ માજી બોલ્યાં.
માડીનો જવાબ સાંભળીને હું ફરી એકવાર નિઃશબ્દ બની ગયો. મને થયું કે નીતિ-અનીતિની સાવ સ્પષ્ટ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આચરતા ભણેલાગણેલા લોકોમાં નહીં હોય? કદાચ હશે તો પણ એ લોકો પોતાના અંદરના અવાજને દબાવી દેતા હશે
મેં માંડ માંડ એ માજીને સમજાવ્યા. એ નહોતાં જ માનતાં. જ્યારે મેં કહ્યું કે ‘માડી ! એ પૈસા પેલો ગુજરી ગયો એ દીકરાના નામના છે, હું એ પાછા ન લઈ શકું. એટલે એની યાદમાં ક્યાંક વાપરજો.’ ત્યારે છેક એમણે એ સ્વીકાર્યા.
મારી સામે જોઈ, આંસુભરી આંખે અને હળવે પગલે મારી ચેમ્બરમાંથી એ માજી બહાર ગયાં. તે વખતે એમની વળેલી કમર જોઈને મને થતું હતું કે ખરેખર, આ આખી ધરતીને ટકાવી રાખવાના ભારથી માણસની કમર આટલી તો વળી જ જાય ! એ કાંઈ નાનો સૂનો ભાર થોડો છે?
(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)