પ્રેમદાન...
પ્રેમ અને દાન બંને શબ્દો પોતપોતાનું આગવું સ્થાન ધરાવે છે.
ધર્મના મુખ્ય ચાર પાયા છે. સત્ય- તપ-પ્રામાણિકતા અને દાન. આ ચારમાં દાનનું મહત્વ કલિયુગમાં સવિશેષ છે. ગૌદાનથી લઈને પિંડદાન સુધીનું મહત્વ આપણે જાણીએ જ છીએ. શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે, દાન કદી કુપાત્રને ન કરવું. પરંતુ આપણે તો પ્રેમ દાન દેવા જઈ રહ્યાં છીએ. ત્યાં પાત્ર અને કુપાત્ર શું વળી? ટાગોર હંમેશા કહેતા કે, "ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે, પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે." મારા મતે શુધ્ધ પ્રેમ અને પરમાત્મામાં કોઈ જ અંતર નથી. પ્રેમ સર્વ જીવો માટે સમાન છે.
પહેલાં આપણે આપણું જ પાણીગ્રહણ કરતાં શીખવું જોઈએ. અને પોતાની જાતને જ સૌ પ્રથમ પ્રેમદાન કરવું જોઈએ. તો જ આ દાન બીજાને કરી શકીશું. ઓશો ના મત મુજબ, "પ્રેમ તો પ્રકૃતિ છે. એવું નથી કે એક પ્રેમ આપે તો જ સામેથી બીજો આપી શકે." પ્રેમ સહજ છે. નિજાનંદ છે.
પ્રેમ સ્વસુખ થી શરૂ કરીને તવસુખ સુધી પહોંચવો જોઈએ. પ્રેમમાં તવસુખની પ્રધાનતા રહે છે. "તું સુખી થા" બસ આજ પ્રેમ. આપણે ક્યાં ઉદાહરણ શોધવા દૂર જવાની જરૂર છે? જેમકે, મધર ટેરેસાને જોઈલો. પોતાનું સંપૂર્ણ જીવન તવસુખમાં જ ખપાવી દીધું .આ જ ખરું પ્રેમદાન. ભગવાન રામે પ્રેમ વશ થઈ શબરીના એઠાં બોર ખાધા. કૃષ્ણએ પોતાની વાંસળીને રાધાની જેમ જ અનહદ પ્રેમ કર્યો. કર્ણ, જગડુશા કે ભામાશા જેવા દાન ન જ કરી શકીએ પરંતુ પોતાનાથી થાય એટલો પ્રેમ તો કરી જ શકીએ. દરેક જીવને પ્રેમ અને હૂંફની આખા જીવન દરમિયાન પળે પળે જરૂર પડે છે. સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઅર્સ હોય, રોજની હજારો લાઈક્સ મળતી હોય પરંતુ ભીડમાં પણ તમને એકલતા સતાવતી હોય તો આ બધું જ નકામું છે. જરૂર હોય છે એવી કોઈ વ્યક્તિની કે તમને અને તમારી પરિસ્થિતિને સમજી હૂંફ આપે, ક્યારેય એકલતાનો અહેસાસ ના થવા દે અને સકારાત્મક લાગણીનો સંચાર કરે. મોટાભાગના લોકો પોતે સક્ષમ છે, હિંમતવાન છે એવો દેખાવ કરતા હોય છે નજીક જઈને જુઓ તો સત્ય જુદું જ નીકળે. કહેવાય છે ને કે,
"હંમેશા હસતી રહેતી વ્યક્તિના હૈયા રડતાં જ હોય છે."
બધાંના જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ તો એવું હોય જ છે, જે આખું વ્યક્તિત્વ બદલી નાખે. જરૂરી નથી કે એ પોતાના સ્વજનો જ હોય. કોઈકવાર એક અજાણ્યો ચહેરો પણ દુખનાં દરિયામાં ડૂબતા બચાવી જાય છે અને પ્રેમના ઝરણામાં તરબોળ કરી જાય છે, એના જેવું ઉત્તમ દાન કયું હોઈ શકે?
ઓચિંતાનો આવેલો બદલાવ સામાન્ય સંજોગોમાં કપરાં પરિણામ લાવી શકે. પરંતુ પ્રેમ માણસને જડમૂળથી ન બદલી શકે તો પણ સકારાત્મક જીવન તરફ દોરી લઈ જવાની ક્ષમતા ધરાવે તો છે જ!
સુખ અને દુઃખ સહન કરવા માટે પાત્રતા ની જરૂર પડે પ્રેમ માટે નહીં. ભગવાન માટે તો એના બધા જ સંતાનો સરખા. જ્યારે પણ જીવનમાં તકલીફ પડે, જ્યારે પણ દુઃખ આવે ત્યારે ચોક્કસ ઈશ્વર પર ભરોસો રાખીએ. એ પ્રેમદાન કરવાનું ક્યારેય ચૂકતા નથી.
જ્યારે "પ્રેમ"માં સમર્પણ થાય, રાગ- દ્વેષનું તર્પણ થાય ત્યારે જ પ્રેમદાન અર્પણ થાય.
-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"