ચાલો મિત્રો, એવી નદીની સફરે જેમાંથી સોનું નીકળે છે. વાંચીને આંચકો લાગ્યો ને? હા, બરાબર જ વાંચ્યું. જેમાંથી સોનું નીકળે છે એવી નદીની મુલાકાતે જવાનું છે આજે. કલ્પના કરો કે તમે ફરવા માટે નદીકિનારે ગયા હો, નદીમાં નાહવા પડ્યા હો અને હાથમાં સોનું આવી જાય!!! મજા આવી ને કલ્પના કરવાની? ચાલો થાઈલેન્ડ અને પછી ભારત.
Deutsche Welleનાં રિપોર્ટ અનુસાર થાઈલેન્ડમાં એક નદી વહે છે, જેમાંથી થોડી મહેનત કર્યા બાદ સોનું નીકળે છે. આ નદી જયાં વહે છે તે જગ્યા દક્ષિણ થાઈલેન્ડમાં છે. આ મલેશિયા સાથે જોડાયેલો વિસ્તાર છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહે છે. સ્થાનિકોનું માનીએ તો અહીં લાંબા સમયથી ગોલ્ડ માઇનીન્ગ એટલે કે સોનાનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે આ કામ બંધ છે. તેથી ત્યાં કામ કરતા સ્થાનિકોની આર્થિક સ્થિતિ કામ ન મળવાને કારણે કથળી ગઈ છે.
પરંતુ સોનાનું ખોદકામનું કામ કર્યું હોવાથી તેમને ખબર હતી કે નદીમાંથી સોનું મળી શકશે. આથી તેઓ વહેલી સવારથી જ મોટા મોટા ચારણા લઈને ઘરેથી નીકળી પડે છે અને નદીમાંથી સોનું શોધવા માંડે છે. એવું નથી કે અહીંથી પુષ્કળ પ્રમાણમાં સોનું નીકળે છે, ઘણી મહેનત કરે ત્યારે થોડું મળે છે, પણ એનાથી એક દિવસનો ખર્ચ નીકળી જાય છે.
નદીનાં કાદવમાંથી કાઢેલ સોનું વેચીને તેઓ પૈસા કમાય છે. આમ, આ જગ્યા સ્થાનિકો માટે કમાણીનું સાધન બની છે.
આ તો થઈ થાઈલેન્ડની નદીની વાત. હવે જોઈએ ભારતમાં આવેલ આવી જ ખાસિયત ધરાવતી નદી. આ નદી ઝારખંડનાં રત્નગર્ભામાં સુબર્ણરેખા નામથી ઓળખાય છે. આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાનાં કેટલાંક વિસ્તારોમાં વહે છે. સુબર્ણરેખા અને તેની સહાયક નદી કરકરીમાં સોનાનાં કણો મળી આવે છે. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે કરકરી નદીમાંથી સોનાનાં કણો સુબર્ણરેખા નદીમાં આવે છે. આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. આ નદીની આસપાસ રહેતાં લોકો આ સોનું કાઢી, વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સૌજન્ય:- દિવ્ય ભાસ્કર ડિજિટલ આવૃત્તિ.
- સ્નેહલ જાની.