રાડ પાડીને કહો કે ફોડ પાડીને કહો
ઊંઘમાં હો કે ન હો તો પણ જગાડીને કહો
ના કરો ચિંતા કે સાચું બોલવાથી શું વળે?
ના ગમે તો ના ગમે ,ખોટું લગાડીને કહો
ખાલી પેટે કોઈ’દી ક્યારેય સંભળાતું નથી
એકલું બોલો નહીં ,પ્હેલાં જમાડીને કહો
મૌનનો પણ અર્થ ચાલ્યો જાય એવું ના કરો
શબ્દની કિંમત વધારીને, ગમાડીને કહો
જે કહો, જ્યારે કહો કાયમ સમયસર બોલજો
શાંત ચિત્તે સાંભળી ગુસ્સો ઘટાડીને કહો
- અંકિત ત્રિવેદી Ankit Trivedi