મેં એને ઘુટણીયે પડીને ચૂમી
શેઢાઓ નજરો ભરી પીધા
રોજ બદન લુંછ્તો એ પાંદડા પર
ગાલ ફેરવ્યા
અમથો બેસતો ને ચટકા ભરી લેતી
એ કીડીઓને જરા લોટ આપ્યો
આસપાસ રોજ સવારસાંજ વહેતા
એ ટહુકાઓમાં આળૉટયૉ
લીલાંછમ પાંદડે વહેતા વાયરાને
નાભી સુંધી ભરી લીધો
કેસુડો મટીને ખાખેડો બનેલા એ દોસ્તને વેલ બની વીંટલાઇ લીધું
દાદા પરદાદાને ને મને
વારસાનો છાંયડો આપનાર મહુડાને વંદન કીધાં
ખટમીઠાં મધુર એવાં ફ્ળ આપનાર
રાયણ,આંબલી,આંબો,કરમદા
ખિસ્સામાં ભર્યાં ન ભર્યાં
તાડનાં ઝીલડા આસું આવી જાય ત્યાં સુંધી જોઇ રહ્યો
ત્યાં જ બૂમ પડી
ઓયયયયય
બસ આવી દોડો
પેલું મોબાઇલનું ચાર્જર રહી ગયુ છે
કાઢતા આવજો.....
આહ ચાર્જર......મળશે ચાર્જર ?
✒️રાજેશ વણકર
26 મે 2020