|| છંદ : હરિગીત ||
પવીતર જે પરભાતનાં, ગરવાં વલોણાં ગુંજતાં,
દામ્પત્ય ઉજ્વળ પ્યાર દેખીને, રદયનાં દુ:ખ રૂજતાં,
હાલ્યા ગયાં ઇ હેત ગુણ, ખાલી રહ્યાં છે ખોળીયાં,
શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા.
કર્ય ભેર ડાડા ભોળીયા…ટેક…૧
ઉઠ્યા પેલા ઉપાધીયું, જગઝાળની જાગી જતી,
બહેકેંલ મનખ્યા બાગમાં, કયાંક લાય પણ લાગી જતી,
ભગવાન તવળા ભરોંસે, ઘાટી ગર્યે ધણ ધોળીયાં.
શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા.
કર્ય ભેર ડાડા ભોળીયા…૨
પાડોશીઓ મુજ પાંચનું, સારૂ થજો એમ ચાહતા,
આજ ભાઇ પણ ભાળી શકે નઇ, ભાઇને આગળ જતાં,
વ્હાલપ તણા એ વીરડા, દંભી જમાને ડોળીયા.
શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા.
કર્ય ભેર ડાડા ભોળીયા…૩
ઓળઘોળ થાતા આતમા, જીવતર દેતા જહ કજું,
પારકી છઠીના જાગતલનું, ગગનથી ઉંચું ગજું,
આજે બધું ઉલટું થયું, કાઢી જાય મુખથી કોળીયા.
શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા.
કર્ય ભેર ડાડા ભોળીયા…૪
માનવ બધા મળીને રહે, પણ એમ નો પુગાય તો,
પોતે રહે પોતા સંગાથે, એમ કરજો થાય તો,
ઉજ્વળ વિચારોના કુંપળ, માઠા જનોને મોળીયા.
શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા.
કર્ય ભેર ડાડા ભોળીયા…૫
જે ઝહેર આપે જીરવ્યાં, એથી ભયંકર ઉભર્યા,
જન મન ને જીવતરમાં, પીધા વીનાનાં પરવર્યા,
કહે “રાજ” કંઠે ના રહ્યાંને, રદયને રગદોળીયા.
શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા.
કર્ય ભેર ડાડા ભોળીયા…૬
કર્તા : રાજભા ગઢવી (ગીર)