હું જ છું ઓતપ્રોત મારામાં
પ્રગટી છે એક જ્યોત મારામાં
કોણ છું હું સવાલ કોરે છે
સળવળે જાતપાત મારામાં
છો ફરે આમ તેમ પડછાયો
પણ વિતાવે છે રાત મારામાં
ટોચ પરથી ગમે છે દડદડવુ
છે ઝરણ જેવી વાત મારામાં
આપશો કયાં લગી ગળાટૂપો
પૂછે ઈચ્છા અજાત મારામાં
આક્રમકતા નું એક કારણ છે
મેં ય પાળ્યુ કપોત મારામાં
થઇ નજર ધૂંધળી છતાં પણ છે
સ્મૃતિનો ચંચુપાત મારામાં
મેં કળા જીવવાની શીખી છે
રોજ મારૂ છુ મોત મારામાં
ઘૂંટ કડવા પીધા પછી "જોગી"
થઇ ગજબની નિરાંત મારામાં
મુકેશ જોગી "પાગલ"