ગાયબ
કથીરને જે કસતો, ગાયબ!
મંદિરમાં જે વસતો, ગાયબ!
તળાવની પાળે મંદિરમાં
કાયમ ચંદન ઘસતો, ગાયબ!
ખરબચડા રસ્તે મંઝિલ છે
માંડ મળી, ત્યાં રસ્તો ગાયબ!
શિખર પ્હોંચી પગ લપસ્યો ને
ખીણમાં ખસતો ખસતો ગાયબ!
પગનો અંગૂઠો ચાંપીને
તણખો મૂઓ ડંસતો ગાયબ!
મોંઘા મોંઘા ગોદામોમાં
માલ ભરેલો સસ્તો, ગાયબ!
રાતી આંખે રોયા મિત્રો!
હરિયો હસતો હસતો ગાયબ!
- હરિહર શુક્લ