કવિ શ્રી ચિનુ મોદીનાં મિસરા પરથી તરહી રચના
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ..**
ઊંટનાં ડગ આંબવા ચારે તરફ,
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ, ***
તીર તાકીને ઉભા લોકો અહીં
લક્ષ્ય મારું વીંધવા ચારે તરફ.
ઓરડા ઝુરતા હતાં જયાં શ્વાસના,
હુંફ એની ઝંખવા ચારે તરફ,
લાગણીને તીક્ષ્ણ ઘા વાગ્યા હશે
વર્તુળો એ આંકવા ચારે તરફ
કાચઘરમાં કેદ છે જિજીવિષા
આયનાઓ ફોડવા ચારે તરફ
મ્હેંક જેવું છે હવે તારું સ્મરણ,
મ્હેંકતી આબોહવા ચારે તરફ,
ફાટતાં લોલુપ નજરના રાફડા,
પાંખ કાપી પીખવા ચારે તરફ,
વિશ્વ આખું તારું લઇને શું કરું?
નભ છે મારું માપવા ચારે તરફ,
લઇ 'તૃષા' દોડો હરણ ! બાકી મજલ,
રેત રસ્તા ચિંધવા ચારે તરફ
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'