જણાયો છું : તરહી
કેમ ભૂલી ગયા દટાયો છું? #
આ ઈમારતનો હું ય પાયો છું! #
દુખતી નસ દબાવી શું કરશો?
અંગ આખે જ જ્યાં દુખાયો છું!
માનવામાં ન આવતું મિત્રો?
માનો ના માનો હું પરાયો છું!
એકમાં કેટલું ઉમેર્યું મેં
ત્યારે જઈને થયો સવાયો છું!
પાંચ પકવાન ભોગ છપ્પન પણ
માત્ર સુગંધથી ધરાયો છું!
આયનામાં મને થઈ ઝાંખી
તારી! મારામાં શું સમાયો છું?
આંખ મીંચી કે ઉઘાડીને જુઓ!
જ્યાં જુઓ ત્યાં તમે, જણાયો છું!
- હરિહર શુક્લ
# તરહી મત્લા : અમૃત ઘાયલ