આપણે મળ્યા નથી વરસો થયા;
કેમ ખળભળ્યા નથી વરસો થયા?
મારગો તો જાય ને આવ્યા કરે;
આપણે વળ્યા નથી વરસો થયા.
આંગણાને શું બીજું પૂછી શકો?
ઓરડા ભળ્યા નથી વરસો થયા.
મન બિચારા શું કરે એ તો કહો;
આપણે કળ્યા નથી વરસો થયા.
સ્વપ્નનો પણ વાંક એમાં છે જ છે;
એય સળવળ્યા નથી વરસો થયા.
ઉત્તરોનું એટલું કહેવું પડે;
પ્રશ્ન ટળવળ્યા નથી વરસો થયા!
શબ્દ સારા, અર્થનું તો શું કહું?
સ્હેજ ઓગળ્યા નથી વરસો થયા.
માન દીધાં છે ઝૂકીને માનથી;
પણ અમે લળ્યા નથી વરસો થયા.
ડૉ. મુકેશ જોષી