Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું પ્રણયમાં છું, મદિરા વિશે શું કહું !
બોલ સાકી ! લથડવા વિશે શું કહું !

યોગ, માળા ને ભગવા વિશે શું કહું !
કે સહજતા, સરળતા વિશે શું કહું !

આમ કાયમ તડપવા વિશે શું કહું !
રૂઝ ઝંખે, ઉઝરડા વિશે શું કહું !

આજીવન હું રખડવા વિશે શું કહું !
થાક, રસ્તો ને પગલાં વિશે શું કહું !

માપ કાંડાનું એનું મને યાદ છે,
બંગડીઓ મૂલવવા વિશે શું કહું !

ઉત્સવો જેમ માહોલ તો જામતો,
ફોન આવે ને મળવા વિશે શું કહું !

એક ઈચ્છા ફળી ના, રહી વાંઝણી,
કે અધૂરા અભરખા વિશે શું કહું !

પાનખર આવતાં બાગ ચિંતા કરે,
આ હવાની જ અફવા વિશે શું કહું !

જીવ જોખમમાં મૂકી અનુભવ કર્યો,
પ્રેમ તારા અખતરા વિશે શું કહું !

બાળના હાથ છાલાં ભરેલા મળ્યા,
ઝૂરતા આ રમકડાં વિશે શું કહું !

માવઠું આવતાં જે તણાઈ ગયું,
એક ખેડૂના સપના વિશે શું કહું !

હું ઉધામા કરી થાક હંફાવતો,
શ્વાસ સાથે ઝઘડવા વિશે શું કહું !

આજ પણ એ ગલીમાં કદમ થોભતા,
ત્યાં કદમના અટકવા વિશે શું કહું !

કૈક દિવસો ગુજાર્યા સતત જોઈને,
એ ગલી, બારી, પડદા વિશે શું કહું !

રૂપ એનું ગઝલ જેવું લાગે મને,
હૂબહૂ નાક નકશા વિશે શું કહું !

તુંય વાંચીને આવી હતી આંખ જે,
આંખ તારી સફળતા વિશે શું કહું !

એની ઉડતી ખબર આવવાની મળી,
ને હૃદયના ઉમળકા વિશે શું કહું !

મેં ઉદાસીનું ખાતર કર્યું એ પછી,
આ ગઝલના ઉછરવા વિશે શું કહું !

સાંત્વના આપવા આવ્યું ના કોઇપણ,
ખાલીપો ખૂબ કળવા વિશે શું કહું !

એક જૂની વ્યથાથી પરેશાન છું,
વેદનાની બળતરા વિશે શું કહું !

મહેંક સઘળી થઈ વાસ તો દૂર થ્યાં,
માવતર ઝૂરી મરવા વિશે શું કહું !

હોય આખી કથા એક પળમાં સદા,
ક્ષણમાં યુગના સરકવા વિશે શું કહું !

ભાર ન્હોતો નનામીનો, સાથમાં,
કૈક અરમાન મરવા વિશે શું કહું !

મન થયું શાંત ત્યારે સમાધિ ફળી,
છેક ભીતર ઉતરવા વિશે શું કહું !

દોસ્ત સાથે ચા પીવાના જલસા 'કમલ',
મોજ, મસ્તી, સબડકા વિશે શું કહું !

આમ તો હુંય પાલનપુરી છું 'કમલ',
વારસામાં ગઝલતા વિશે શું કહું !

ક્યાં 'કમલ' છાતી કૂટે નિવારણ મળે !
પ્રશ્ન એવા સળગતા વિશે શું કહું !

*કમલ પાલનપુરી*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111707578
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now