હસીનાઓ તમારે કાજ હું મરવા નથી આવ્યો,
અહીં મજનું કે રાંઝાને અનુસરવા નથી આવ્યો.
ગુલાબી સ્મિત ઓઢીને બધાના હોઠ પર રહેવું,
નમાલી આંખના આંસુ બની ખરવા નથી આવ્યો.
સફરમાં છું અને કેવળ સફરની મોજ લૂંટુ છું,
મુસાફર છું મુસાફર,હું અહીં ફરવા નથી આવ્યો.
ઘવાયેલા કબૂતર આટલો ફફડાટ રહેવા દે,
દવા લાવ્યો છું તારો ઘાવ ખોતરવા નથી આવ્યો.
અરે બાવળ છું હું બાવળ ઉગુ જ્યા મોજ આવે ત્યાં,
તમારા બાગના કુંડામાં પાંગરવા નથી આવ્યો.
ફકત તું દાદ ત્યાં દેજે તને સંભળાય જ્યાં ટહુકો,
ગઝલમાં રંગબેરંગી મોર ચીતરવા નથી આવ્યો.
ખુદા પળભર ખુદાઈને ભૂલીને બેસ બાજુમાં,
તને મળવા ફકત આવ્યો છું કરગરવા નથી આવ્યો.
મને દરીયો બતાવીને કહે"ગોપાલ, શું કહો છો??"
હું એને કેમનું સમજાવું કે તરવા નથી આવ્યો.
#ગોપાલ