“માનવજીવનમાં જ્યારથી સંસ્કૃતિનો એટલે કે સભ્યતાનો પ્રવેશ થયો એ પછી અનેક દૂષણો પ્રવેશતાં ગયા એમ લાગ્યા વિના રહે નહીં. પહેલાં જે બાબતો સાવ સહજ અને સ્વીકૃત હતી એ હવે સભ્યતાના અંચળા હેઠળ અસ્વીકૃત અને શરમજનક બનવા લાગી. અલબત્ત, માનવસંસ્કૃતિનું મહાદૂષણ ગણાવવું હોય તો ભેદભાવની વૃત્તિને ગણાવી શકાય. ભેદભાવની આ અધમ વૃત્તિ વિવિધ વિકૃત સ્વરૂપે અમલી બનતી ગઈ. લૈંગિક ભેદભાવ લગભગ સાર્વત્રિક બનતો ગયો. વંશીય કે જાતિગત ભેદભાવ પ્રત્યેક સભ્ય સમાજે પોતપોતાની સમજણ મુજબ અપનાવ્યો. આપણા દેશમાં જાતિગત ભેદભાવનું સૌથી વરવું સ્વરૂપ એટલે આભડછેટ. એનો અર્થ એમ નથી કે અન્ય જાતિઓમાં એ અસ્તિત્ત્વમાં નથી. પ્રત્યેક જ્ઞાતિ કે પેટાજ્ઞાતિને પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કરતાં ઉંચા હોવાનું ગુમાન જોવા મળે છે. એથી આગળ, એક જ જ્ઞાતિમાં સુદ્ધાં પોતાનું કુળ ઉંચું મનાતું હોવાના મિથ્યાભિમાનમાં કેટલાય લોકો રાચે છે. હવે તો જ્ઞાતિ આધારિત વ્યવસાયો રહ્યા નથી, પણ જ્ઞાતિ આધારિત કહેવતો કે રૂઢિપ્રયોગોમાં આ માનસિકતા હજી જળવાયેલી છે. ભેદભાવને નાબૂદ કરવાની દિશામાં બનતા કાયદાકાનૂન મોટે ભાગે કાગળ પર જોવા મળે છે, અને તેનો ખરેખરા હેતુ માટે ઉપયોગ ઓછા કિસ્સામાં જોવા મળે છે.” 🙏(‘ફીર દેખો યારો’ બિરેન કોઠારી)