એક ગીત
ગરમાળાનું પાપ છે આ તો ગરમાળાનું પાપ
ધોમ ધખે છે પંથક એમાં સૂરજનો શું વાંક?
ગરમાળાનું પાપ
કુહાડી લઈ કાપી નાખો હાથ સરીખી ડાળી
નળી લઈને જગ આખા પર તડકો રેડે માળી
લૂ ફુત્કારતો સાપ છે આ તો લૂ ફુત્કારતો સાપ
ગરમાળાનું પાપ
ટપ્પ દઈ ચોથા માળેથી પાન લીલેરું ટપકે
સહેજ લખું ત્યાં અણી બટકતી, જીવ અડધેથી બટકે
ઝાડ નીચે સૂતેલો છાયો નિંદરમાંથી ઝબકે
ઊંચા સાદે મૌન રહું, સહુ આઘે-આઘે ભટકે
વિધવાનો વિલાપ છે આ તો વિધવાનો વિલાપ
ગરમાળાનું પાપ
જોવા દોને સપનાનું શબ એક વખત જોવા દો
જેમ સ્વજનને ખોયા એમ જ સાનભાન ખોવા દો
વચન નથી આ, થાપ છે આ તો વચન નથી, આ થાપ...
- કુલદીપ કારિયા