નવો નવો એન્જિનીયર બનેલો કલ્પક જ્યારે ફેક્ટરીમાં કામે લાગ્યો ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે અહીંયાં એને ટી.બી. નો ચેપ લાગશે. પરંતુ સતત લાગતો થાક અને અઠવાડિયાથી સતત આવતા તાવને કારણે રીપોર્ટ કરાવવા જ પડ્યા. અંતે રીપોર્ટમાં ટી.બી.આવ્યો. હજી તો બે મહિના પહેલાં જ દવાખાનું ખોલીને બેઠેલા ડો. નિહારે આ કેસ હાથમાં લીધો પરંતુ ડોક્ટરે આપેલી દવાઓથી તો કલ્પકને તાવ ઉતરવાને બદલે વધારે આવતો. ઘણાં લોકોએ તો કલ્પકને ડોક્ટર બદલવાની પણ સલાહ આપી પરંતુ કલ્પકને ડો. નિહાર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. સિવિલ હોસ્પિટલમાંથી અનુભવી ડોક્ટરની સલાહ લઈને ડૉ. નિહાર દવા ના પ્રયોગ કરતા. ધીરે ધીરે ફેર પડ્યો. તાવ બિલકુલ ઉતરી ગયો. એ વખતે ટી.બી. ની દવા છ મહિના ચાલેલી. આજે તો એ વાતને ઘણાં વર્ષો વીતી ગયા છે. ડૉ. નિહારનું નાનું દવાખાનું અત્યારે તો "સંજીવની હોસ્પિટલ" બની ગયું છે. ડૉ. નિહાર એ જ રીતે દર્દીઓની સેવા કરી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં ડૉ. નિહાર મજામાં તો હશે ને? બસ અમથી જ ખબર પૂછવા કલ્પકે મોબાઇલ હાથમાં લીધો.
( ટી.બી. ની જેમ કોરોના પણ ફેફસાંનો જ રોગ છે. એને મટાડવામાં પણ માનસિક સ્વસ્થતા એટલી જ મહત્વની છે.)