આશ્ચર્ય થાય છે મને
એ જોઈને કે માનવી
થયો કેમ આટલો નિષ્ઠુર!
જાણ્યું માત્ર એટલું કે છે થયો
સ્વજનને રોગ અતિ ગંભીર,
થયો એનાથી દૂર, ફેરવ્યું મોં.
શું આ જ છે સંબંધો જે
બંધાયા હતાં કોઈક લાગણીથી?
ક્યાં જાય છે એ લાગણીઓ
જ્યારે છૂટા પડે છે બે વ્યક્તિઓ?
આશ્ચર્ય થાય છે એ જોઈને કે
કોણે ભર્યું ડહાપણ ને વફાદારી
આ મૂંગા પ્રાણીમાં, જે રહે છે
હંમેશા માલિક સાથે વિના કોઈ
ભેદભાવ!
આશ્ચર્ય થાય છે મને એ જોઈને
કે આપી પ્રભુએ સુંદર વનરાજી,
શાને માનવી થયો ઉતાવળૉ
નાશ કરવાને આ વનરાજી!!!!!
આશ્ચર્ય થાય છે મને એ જોઈને
શાને ચાહે છે માનવી માત્ર ભૌતિક
વસ્તુઓને, જ્યારે મોં ફેરવે છે
એ સ્વજનથી જે ચાહે છે એને મનથી!!!
આશ્ચર્ય થાય છે મને એ જાણીને
કર્યા દુઃખી જેને જીવનભર,
રાખે છે અપાર સ્નેહ ને લાગણી
એની તસ્વીર પર!!!
આશ્ચર્ય થાય છે જોઈને કે
ન્હોતું આપ્યું ભોજન જેને
પ્રેમથી, ન્હોતું ખવડાવ્યું જે
ક્યારેય વ્હાલથી, એનાં મર્યા
પછી શાને રાખે છે ભોજન એને
મનભાવતાં એ જ વ્યક્તિની
પુણ્યતિથિએ!!!
આશ્ચર્ય થાય છે એ જાણીને
કે માણસે જીવવા માટે પણ
આપવા પડે છે પૈસા!!!
ને તોયે બચશે એની નથી
મળતી કોઈ ખાતરી!!!!!
- સ્નેહલ જાની