આવીને હું ઉભો છું કેવા પ્રકાશમાં ?
નાચે છે નગ્નતા જ્યાં પુરા લિબાસમાં!!
મારી જ કાંધ ઉપર મારી જ લાશ લઈ-
ભટકું છું હું એ જિંદગી ! તારી તલાશમાં.
સાકી ! શરાબ ખાનું ફૂંકી દે તું હવે ,
ના દમ શરાબમાં છે ના દમ છે પ્યાસમાં.
જીવન વહે છે આજે કાગળની નાવ પર,
તરણાંઓ હાથ આવે કાંઠાના ભાસમાં.
અંતિમ શ્વાસ સુધી બસ ભાગ-દોડ છે ,
મૃગજળ સમી છે મંઝિલ જીવન પ્રવાસમાં.
બરબાદીઓ ! હજુ હું હારી નથી ગયો;
દિલમાં હજુ છે હિંમત, શ્રદ્ધા છે આશમાં.
માનવમાં માનવીનો અણસાર ના રહ્યો,
કેવો વિનાશ છે આ "કાયમ" વિકાસમાં.
કાયમ હઝારી
મોરબી.