◾ટપ ટપોટપ લાશ ખરે છે
ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.
ટપ ટપોટપ લાશ ખરે છે, આ તે કેવો કાળ ફરે છે.
'વેન્ટિલેશન' જડે નહીં ને 'વેન્ટિલેટર' ખૂટી પડ્યા છે.
હાંફી ગ્યો છે દેશ આખ્ખો,ચાબુક આ તે કેવા અડ્યા છે ?
લેશે ઉગારી શ્રદ્ધા નામે તત્વ અગોચર શ્વાસ ભરે છે.
ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.
દશે દિશામાં ફરી વળ્યા છો,કહો કઈ દિશામાં જાશો ?
ઢગલો થઈ ગઈ છે લાશો, કહો કેટલા મરશિયા ગાશો ?
હિંમત નામે શ્વાસ ભરી દો તો માણસનો ડર મરે છે.
ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.
ટપ ટપોટપ લાશ ખરે છે, આ તે કેવો કાળ ફરે છે.
ડાળ ખરે છે,પાન ખરે છે આખ્ખે આખ્ખું ઝાડ ખરે છે.
~ પ્રવીણસિંહ ખાંટ