પ્યારા કિનારા તણાં નાદ આડે
સુધાકર નયનનો સીમાડા જ છાંડે,
ઘણાં કરૂ યત્નો મૃગાનેણી ભુલવા
છતાં યાદમાં ચિત્ત પોકાર માંડે;
હલેસા વિના નાવ મઝધાર વહેતી
વેરણ બની રાત સુવા ન દેતી,
પ્હોફાટ સાથે ભુમિ ક્યાંક ભાળું
મુલાકાતની આશ એવી જ રહેતી;
મુસાફર મરૂમાં ઝરણ નીર શોધે
એમ જ હ્યદય લાગણી ક્યાંક નોંધે,
હતી પખાલો પાણીથી જે ભરેલી
લોચન રણે ઢોળીને જીવ ગોંધે;
હતો પ્રેમ પાસે હંમેશા હસાવે
ગયો છેક છેટો હવે એ રડાવે,
"ભગીરથ" ભમરને કમળ જેમ પ્યારા
બિડાયા પછી એમ યાદો સતાવે.
- ભગીરથ ધાધલ "નેપથ્ય"