ઉઘાડી છાતી નબળી ને સમયના હાથમાં ખંજર,
ઉપરથી કાઠી નબળી ને સમયના હાથમાં ખંજર.
સમસ્યા ફેણ કાઢીને ઊભી છે નાગની માફક,
મળી છે લાઠી નબળી ને સમયના હાથમાં ખંજર.
લડું તો કોની સામે, ક્યાં સુધી ચારો તરફ એક્કા,
પડી છે બાજી નબળી ને સમયના હાથમાં ખંજર.
હજી છે આપણી પાસે સમજની ઢાલ ફૌલાદી,
બધી આબાદી નબળી ને સમયના હાથમાં ખંજર.
ખબર પડતી નથી આ વાઈરસની એ,બી,સી,ડી કંઈ,
જીવનની પાટી નબળી ને સમયના હાથમાં ખંજર.
જુની પતવાર પણ તોફાન સામે શું કરે 'સાગર',
અમારી આંટી નબળી ને સમયના હાથમાં ખંજર
રાકેશ સગર, સાગર, વડોદરા