થશે ક્યારે રમત પૂરી, હવે જલ્દી જણાવી દે,
તું કાં તો આવ અહીં, કાં તો મને ઈશ્વર બનાવી દે !
બધાંએ શક્તિ મુજબ દાનપેટીમાં ધર્યા રૂપિયા,
પડ્યાં ઓછા તને કે હોસ્પિટલના બિલ ચડાવી દે ?
દુઆ માટે ઉભા'તાં એ દવા માટે ઉભેલા છે,
લખી દે એમને હૂંડી અને હૂંડી ચલાવી દે.
જો લાશો પણ ઉભી છે રાહ જોઈને કતારોમાં,
ભલે ઘર ના દીધું, તું એક ભઠ્ઠી તો અપાવી દે !
'નિનાદ' એ ધારે તો રોશન નગરને પણ કરે સૂમસામ,
એ ધારે તો અહીં સમશાનને પણ ઝગમગાવી દે !
- નિનાદ અધ્યારુ