કોવિડ-નાઈન્ટીન કથા.
યશવન્ત મહેતા.
(યાદ નરસિંહનીઃ જાગીને જોઉં તો.)
ખોલીને બારણાં જોઉં જ્યાં બહાર તો,
જગતમાં કંઈક બદલાવ ભાસે,
ગયો કોવિડ-નાઈન્ટીન તે છતાં,
યાદ એને કરી લોક ત્રાસે.
વારંવારના લોક ડાઉનમાં
જન પુરાએલા નિજ નિવાસે,
નીકળી તે પછી ભય ભરી આંખથી
શેરીઓ, જાનવરને તપાસે.
તરત થથરી ઊઠે લોક પડોશનાં,
પૂછતાં ખબર જાય પાસે,
બંધ સંચારની આદતે વશ થઈ,
ઝટ્ટ પોતાતણા દ્વાર વાસે,
કોઈ છીંકે અગર નાક ખાલી કરે,
યા જરા કોઈ જોરથી ખાંસે
ભૂત જોયું અગર જોઈ ડાકણ ભૂરી,
એમ સૌ કોઈ સુદૂર નાસે.
કંઈક જીવાણુંઓ ત્રાટકે વિશ્વ પર,
વર્ષ સોએ અગર તો પચાસે,
પણ કોવિડ-નાઈન્ટીનની કથા,
અમર થાશે નક્કી ઈતિહાસે.