યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખો,
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે ... યોગી.
રજોગુણી તમોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણનો નાશ રે ... યોગી.
સત્વગુણમાં ભેદ છે મોટો,
એક શુદ્ધ, બીજો મલિન કે'વાય રે,
મલિન ગુણોનો ત્યાગ કરવો
જેથી પરિપૂર્ણ યોગી થવાય રે ... યોગી.
વિદેહદશા તેહની પ્રગટે,
જે ત્રણે ગુણથી થયો પાર રે;
ગંગાસતી એમ જ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂરિયામાં તાર રે ... યોગી.
****************************
ગંગાસતી ----
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
ગીતા અનુસાર અહિં નિષ્કામ કર્મ ની વાત છે. ગીતા અનુસાર યોગી કર્મ રત હોય છે. પરમ યોગી કશું ન કરવા છતાં પણ બધું કરતો હોય છે પણ ફળાકાન્શા રહિત.
હરિ ભાળવા હોય તો હિંમત રાખો,
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે ... યોગી.
આ મુજબ દુશ્મન માં પણ હરી નો વાસ રહેલો છે પણ એ જોવા માટે ખરી હિંમત જોઈએ.
રજોગુણી તમોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણનો નાશ રે ... યોગી.
દરેક આહારમાં તેમની જમીન, તાપમાન મુજબ ગુણો નો વિકાસ થાય છે, ખાસ કરીને જૈન ધર્મ માં આવી બાબતો નો ખ્યાલ રખાયો છે.
તમસ્ - તમાંમ ફાસ્ટ ફૂડ અને બીજી ચટાકેદાર વાનગી.
રજ્સ - પકાવીને બનાવેલી લગભગ વાનગી.
સત્વ - પ્રાકૃતિક .
ઉપવાસ કરવા વાળા લગભગ તમામ લોકો કંઈ ખાતાં તો નથી પણ એ જ લોકો ને સ્વપ્ન માં તમાંમ ત્યાજ્ય વાનગીઓ આવતી હોય છે માટે જ સતી એ , એ પણ કહ્યું કે આવી વસ્તુઓ નો ખ્યાલ પણ શરીરમાં સ્વપ્ન મુજબ રસ ઉત્પન્ન કરી શકે છે.
સત્વગુણમાં ભેદ છે મોટો,
એક શુદ્ધ, બીજો મલિન કે'વાય રે,
મલિન ગુણોનો ત્યાગ કરવો
જેથી પરિપૂર્ણ યોગી થવાય રે ... યોગી.
સત્વગુણ ને બે ભાગમાં વહેંચ્યો છે.
પેલો ભાગ કુષ્ણ નો માર્ગ છે , મતલબ અસ્તિત્વમાં ખુદને ઓગાળી દેવું અને આત્મા નો સ્વીકાર અને અહં નો ત્યાગ. આ માર્ગ શુદ્ધ છે કારણ કે પરમ મુક્તિ માં છેક છેલ્લી આડશ આવે છે અને એ છે અહં.
બીજો ભાગ છે બુદ્ધ નો , અહિં સ્વયં ને એટલો મજબૂત થાય છે કે આત્મા નું અસ્તિત્વ સ્વીકારાયું નથી પણ પરમ મોક્ષની પ્રાપ્તિ વખતે અહં નો ત્યાગ કોઈક વીરલા જ કરી શકે છે.. માટે પરમ મોક્ષ જોતાં આ માર્ગ ને મલિન કહ્યો છે.
બીજી વાત એ પણ છે કે બુદ્ધ કરુણતા સભર પાછો જન્મ લય શકે છે જે એની બેસન્ટ નો કરેલ પ્રખ્યાત પ્રયોગ કુષ્ણ મુર્તિ નો ખ્યાલ માં છે જ , જેને મૈત્રેયી ના અવતરણ માટે તૈયાર કરાયા હતા જે ફેલ થયું , પણ કુષ્ણ પાછા જન્મ લે એ બાબત અવાસ્તવિક છે. કારણકે બુદ્ધ નું વ્યક્તિત્વ એક આયામી છે , એ પુર્ણ છે જ પણ એક જ બાબત માં જ્યારે કુષ્ણ બહુઆયામી છે એને જન્મ ધારણ કરવાં કોઈ ખાસ યૌગિક અને સાત્વિક યુગલ સ્વરૂપ જોઇએ.
વિદેહદશા તેહની પ્રગટે,
જે ત્રણે ગુણથી થયો પાર રે;
ગંગાસતી એમ જ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂરિયામાં તાર રે ... યોગી.
ત્રણ ગુણોથી પર અને તુરીયા સમાધી ની વાત કરી છે અહિં.