સ્તુતિથી સાવધાન રહેવું, કોઈ ગાવે આપણા ગુણ
વાતો પ્યારી તે લાગવી, તે જ મોટો અવગુણ
પ્રશંસાથી ઘણા પડ્યા, અહંકારી થઈ આપ
અહીં તહીંના નવ રહ્યા, ધોબી શ્વાન ઘર ઘાટ
પોતાના થઈને પછાડે, તે છે મોટો માર
મધુરૂં વિષ પાઈને, ભુલાવે આ વાર
નિંદકનો કદી ડર નથી, નિંદક નિંદક થઈ રહે
તે અંતર રાખી આપથી, નિંદાની ઘણી વાતો કહે
પ્રશંસક પ્રવેશી પીંડમાં, અંતર પ્રવેશી જાય
ગુણ ગાનથી વશ કરી, પછી પગ પહોળા થાય
પ્રશંસા ઘાતક ઘણી, જોખમ જાજું હોય
નિંદા બેડી લોહની, સ્તુતિ સોનાની હોય
નિંદક પ્રશંસક શું કરે, તે પોત પોતાનું ગાય
જે જે સ્વભાવે સાંપડ્યું, તે તે તેવું નિત થાય
નિંદક તો નિંદા કરે, પ્રશંસક ગાવે ગુણ
આપણે કોઈના સુણવા નહીં,ગુણ અને અવગુણ
સૌને પોતાના માનીએ, પરાયું ન માનીયે કોઈ
નિંદક પ્રશંસક દોનું મહીં, ભેદ ન રાખીએ સોય
દુનિયાની વાતો દુનિયા જાણે, તેને તેનું કરવા દઈએ
આપણે આપણું સંભાળીને, સૌથી ચુપ થઈ રહીએ
પડતી મુક પરાઈ વાતો, તું તેમાં થા ન રાતો
મુંગા બહેરા થઈને રહીએ, કોઈની ન સુણીએ વાતો
જો કરવું છે તો કરી જ લે, બીજું બધુ મુકી દે
ભીતર-બહાર સરખું રહેવું, શીખ સાચી સમજી લે
ભીતર બીજું બહાર બીજું, તે તો ઉજળું કપટ કીધું