આજે વિશ્વ ચકલી દિવસ:-
આજે વિશ્વ ચકલી દિવસ છે. દુનિયાભરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ 2010થી દર વર્ષે 20 માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષની થીમ છે,"I love sparrow."
જેમ જેમ શહેરીકરણ વધતું ગયું અને ગામડાંઓ ઘટતાં ગયાં તેમ તેમ કોંક્રિટનાં જંગલો વધતા ગયા. આને પરિણામે ચકલીઓ જે ઘરનાં છાપરા પર, નળીયાની બખોલમાં કે ઘરમાં લટકાવેલ ફોટો ફ્રેમ પાછળ જે માળો બાંધતી હતી એ બંધ થઈ ગયું. હવે તો શહેરોમાંથી ચકલીઓ લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં બાળકો ચકલીને માત્ર પુસ્તકમાં એક પ્રકરણ સ્વરૂપે જ જાણી શકશે.
ચકલીનાં અસ્તિત્વને બચાવવા માટે ઘરમાં એક નાનું કૃત્રિમ ચકલીઘર બનાવીએ કે જેથી ચકલીઓ ત્યાં આવે, ઈંડા મૂકે અને એનાં બીજા બચ્ચા થાય. ચકલીની વસ્તી વધારવા આટલું તો આપણે કરી જ શકીએ છીએ. આ ઉપરાંત, ઘરની છત પર કે અન્ય જગ્યાઓએ પક્ષીઓને ચણ નાખીએ તેમજ પાણીની વ્યવસ્થા કરીએ.
આવનારી પેઢીને માત્ર સંપત્તિ અને સંસ્કારનો જ વારસો ન આપતાં વન્યજીવો અને કુદરતી સૌંદર્ય પણ આપવાનો પ્રયત્ન કરીએ.