મહેંકી ઉઠ્યા આજ,ફુલદાનીનાં નકલી પુષ્પો,
ચોક્કસ આંગણે વસંત આવી હશે.
પંચમી વસંતની હોય,ને ત્યાં વળી તારૂ સ્મિત રેલાય,
પછી તો તુજથી હું અને મુજથી તું છલકાય.
છે સરખાપણું વ્યવહારમાં મારા,તારા ને વસંત થકી,
વસંતને ચાહું છું અનહદ અને ચાહિશ તને અંતકાળ લગી.
સ્મિતને તારી વર્ષા કહું,હુંફ ને તારી ગ્રીષ્મ કહું,
કહું ઓઢણી ને તારી શીશર,ને તને આખે આખી વસંત કહું.
ઘેરી વળે જો મૃગજળ મને,તો તું આવી જજે,
જ્યમ પાનખરથી પીડાતા વનને વસંત મળે.
ઢળતી સાંજે, જ્યારે શ્રમવેદનાથી ઢળી પડયા તમે,
દ્રશ્ય,વસંતના ભારથી લચી પડેલા વૃક્ષનું ખડું થઈ ગયું.
- નિર્મિત ઠકકર