*ચાલ પાર્ટી કરીએ ..*
કોઈની વર્ષો જૂની માનતા ફળી છે, ચાલ પાર્ટી કરીએ.
ત્રણ વર્ષથી ડાયાલીvસીસ પર રહેલા એક છોકરાને માંડ કોઈની કિડની મળી છે, ચાલ પાર્ટી કરીએ.
ચાલ પાર્ટી કરીએ કે પેલા ઘરડા ચોકીદારના જુવાન દીકરાને ક્યાંક નોકરી મળી છે.
ચાલ પાર્ટી કરીએ કે અનાથાશ્રમમાં મોટા થયેલા એક છોકરાને એક સારા ઘરની છોકરી મળી છે.
ઝાડની ડાળી પર દોરડું લટકાવી તો દીધું પણ એક ખેડૂતને જીવવાની ઈચ્છા જાગી છે, ચાલ પાર્ટી કરીએ.
મંદિરમાં માથું નમાવી રહેલા એક યુગલે, ઈશ્વર પાસે એક દીકરી માંગી છે, ચાલ પાર્ટી કરીએ.
ડિપ્રેશનમાં આપઘાત કરવા નીકળેલી એક છોકરી, ગામના કૂવેથી પાછી વળી છે, ચાલ પાર્ટી કરીએ.
હાઈ-વે પર થયેલા એક ગંભીર અકસ્માતમાં, કોઈના માથેથી ઘાત ટળી છે, ચાલ પાર્ટી કરીએ.
ચાલ પાર્ટી કરીએ, કે બાલ્કનીમાં રહેલા એક છોડને કળીમાંથી ગુલાબ આવ્યું છે.
ચાલ પાર્ટી કરીએ, કે પેલા ૭૫ વર્ષના વડીલે ખુલ્લી સડક પર એક વૃક્ષ વાવ્યું છે.
ચાર ઘરના કામ કરે છે એ કામવાળીની બંને દીકરીઓ નિશાળે જાય છે, ચાલ પાર્ટી કરીએ.
હુલ્લડોમાં જેમનું ઘર સળગ્યું’તું એ ઊંચા અવાજે વંદે માતરમ ગાય છે, ચાલ પાર્ટી કરીએ.
ચાલ પાર્ટી કરીએ, કે કોઈને આજે પહેલો પગાર મળ્યો છે.
ચાલ પાર્ટી કરીએ, કે ફરી પાછો આજે નક્કી કોઈને ઈશ્વર ફળ્યો છે.
ભલે દેખાતો નથી પણ ક્યાંક તો ભગવાન છે,
આપણા પર નહિ તો કોઈક પર તો મહેરબાન છે, ચાલ પાર્ટી કરીએ.
- ડૉ. નિમિત્ત ઓઝા