" કોયલીયા બોલે અંબુવા કી ડાલ પર " રાગ- માલકૌંસ પર આધારિત આ સુંદર રચના સાંભળીને તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઊઠ્યો. શિવ અને શૈવા બંને સાથે ગાય એટલે જાણે કોઈપણ પ્રસ્તુતિ જીવંત થઈ ઊઠે. પાંચ વર્ષથી સંગીતના ક્લાસમાં સાથે જ સંગીત શીખતા શિવ અને શૈવા જીવનનો રાગ પણ સાથે જ ગાશે એવી બધાની ભ્રમણા હતી પણ શૈવાએ પોતાના બિઝનેસમેન મિત્ર સાથે લગ્ન કર્યા અને આ બધી ભ્રમણાઓનો અંત આવ્યો. ખબર નહી શું થયું પણ ખૂબ જ ટૂંકા સમયમાં શૈવાના છૂટાછેડા થયા. શૈવાએ ફરીવાર સંગીતમાં મન પરોવ્યું. આજે ઘણાં સમય પછી શિવ અને શૈવાની પ્રસ્તૃતિ સાંભળીને ભૂતકાળ માં સરી પડેલી શૈવાની બહેનપણી કહાની તાળીઓના ગડગડાટથી વર્તમાન માં આવી ગઈ " કોયલ આંબાની ડાળ પર બોલે કે ના બોલે પરંતુ બંનેનાં લગ્નની શરણાઈ વાગે એટ્લે ઘણું" એવું એ મનોમન વિચારી રહી.અને આ બાબતે બંને સાથે વાત કરવા પોતાની જાતને તૈયાર કરી.