👉🏻 *બે પુરુષોથી સમાંતરાંતરે રહેલી સ્રીનું ગીત*
બે પહાડોનો બધો અવકાશ ઘેરી
એકલી અલ્લડ ઊભી છે નાળિયેરી.
બેઉ પર્વતની હથેળી છેક પ્હોંચી પગ લગોલગ,
ઓગળી ગઈ આંગળી ને ચરણ ડામાડોળ ડગમગ,
નાળિયેરી બે -તમા થઈ રૂપને જોયા કરંતી
ઝાટકંતી વાળને ટહુકા ખખેરી.
બે પહાડોનો બધો અવકાશ ઘેરી
એકલી અલ્લડ ઊભી છે નાળિયેરી.
સૂર્યનો અજવાસ લીલા શ્વાસમાં ફોરે દિવસભર,
રાતભર અંધાર અનરાધાર વરસંતો તમસગર,
નાળિયેરીને અડીને વાયરો કૈં ભાન ભૂલ
આથડે છે રેશમી સંબંધ પ્હેરી....
બે પહાડોનો બધો અવકાશ ઘેરી
એકલી અલ્લડ ઊભી છે નાળિયેરી.
*- વિજય રાજયગુરુ*
('ચાલ, પલળીએ !' ગીતસંગ્રહમાંથી)