માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું
અને
ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે.
કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ઘુંટ પીધા છે
અને
શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે
અને હા...
મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે.
એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે
અને
એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે.
એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે
અને
સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.
અરે વાહ, હું ગુજરાત છું
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે
અને
એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે.
અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું...
અને
મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડ્સ ના પારણાં હીંચોળ્યા છે.
સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું.
રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું.
સપ્તકના તબલાની થાપ અને કુમુદિની- મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.
હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં
હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માનાચિત્રોમાં
હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં
અને
પગથિયા ચડું છું, અમદાવાદની ગુફાના
લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે
અને
સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે.
હઠીસિંગની હવેલીના ટોડલે ખરતું હેરિટેજનું પીછું હું છું
અને
ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું...
ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું
અને
નલીયામાં ઠરીને પડતું હિમ પણ
નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે
અને
ગોઘૂલિ ટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે.
મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે
અને
લાલ લાલ સનેડો ગાઈને ચ્યોંચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.
ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને
સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે.
હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું
વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું.
ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું
અને
રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું.
મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ઘૂંટડા ભર્યા છે,
એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ઘૂંટડા ગટગટાવ્યા છે.
મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે,
અને
મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.
હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર
અને
બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી.(Non Resident Gujarati) છું હું.
મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું.
હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું,
પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાઉં છું
કણબીનું હળ છું, કસબીની હથોડી છું.
હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું.હું
નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકારછું.