*ગઝલ*
*ગીતા જયંતીના ખૂબ ખૂબ વધામણાં*
*પ્રભુ તારી અકળ માયા*
પ્રભુ તારી અકળ માયા કદી સમજાય છે.
નિગમ પણ નેતિ બોલે ને ગતિ પરખાય છે.
કદી તું પ્રકૃતિ થઈ ડોલતો નજરે પડે,
કદી માબાપનાં વત્સલ્યમાં દેખાય છે.
કદી વરસાદમાં ઝૂમી ઉઠેલો મોર સમ,
દરિદ્રે તું જ નારાયણ થઈ પૂજાય છે.
ઘણી લીલા કરી તે તો અકળ હર યુગ મહીં,
ને હર અવતારમાં સંપૂર્ણ રુપ જોવાય છે.
મને ગમતો જે છે અવતાર તારો કૃષ્ણનો,
વગાડે વાંસળી ને રાધા દોડી જાય છે.
અકળ છે ચાલ તારી એ મહાભારતમાં પણ,
સહોદર પાંડવોનો, યુદ્ધ પણ જીતાય છે.
વળી ગીતાનો તેં ઉપદેશ દુનિયાને ધર્યો,
જીવનની ફિલસૂફીની વાત આરંભાય છે.
કહ્યો છે કર્મનો સંદેશ તેં એવો સરસ,
અકળ એ કર્મની ઘટમાળ ત્યાં ચર્ચાય છે.
કરો બસ કર્મ ના ફળની કદી આશા કરો,
સમજ તું "નેહ" કર્મો ખાસ ત્યાં જોખાય છે.
– *વંદના બ્રહ્મભટ્ટ "નેહ"*
25/12/'20