હે અર્જુન
ફરી એકવાર
યુધ્ધ મેદાને જઈ
અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી
મૌન ધારણ કર
તારી સામે ક્ષિતીજની રેખા સિવાય કશું નથી
નથી પક્ષીની આંખ
ગાંડીવનો ભાર નથી
તારા શંખનો રવ કોઈ નહીં સાંભળે
તું સ્વયંવરમાં જઈશ તો માછલી નહીં દેખાય
તારાં દિવ્યાસ્ત્રો કોઈ ચમત્કાર નહીં કરે
હે ધનજંય આ કુરુક્ષેત્ર નથી વિષાદક્ષેત્ર છે
તારુ એકલાનું નહીં
ભાષા,
ભુમિ,
કલ્પ,
પકલ્પ,
મન્વંતર,
દ્રિપ,
સાગર,
સર્વેનું
તું જોડાઈશ એમાં ?
ત્યાં તને દ્રોપદી નહીં મળે
કે તે ઈચ્છેલો સારથી
તારી મરજીથી
તું આવવા ઈચ્છતો હોય તો
ભર ડગ
અમે ક્યારનાય ઉભા છીએ
યુધ્ધ જીતવા
અમારા કાને પડતા દૂદુંભિનો કાળમય અવાજ
અધર્મના શંખના ધ્વનિથી તીવ્ર છે
ક્યાંક કોઈ હસે છે
કોઈ છાતી કૂટે
ક્યાંક વળી થાય છે રાજ્યાભિષેક દક્ષિણા માગે ગુરુઓ
રણમેદાને તને કોઈ વચ્ચે ઉભો નહીં કરે
તારે જોવી પડશે
લૂંટાતી લાજ,
મૌન છાતીઓ,
વિખેરાતી પ્રતિજ્ઞાઓ,
તને સંભળાશે
સત્તાના અટ્ટહાસ્યો
તારા કાન ઠરેલા રાખીશ?
તું સ્વયં રસ્તો કર તારા પગ મૂકવાનો !!
ભરત પ્રજાપતિ