વસવું કોઈની આંખમાં સદ્ભાગ્ય છે સ્વજન;
એથી પુનિત બીજું કશું ક્યાં કાર્ય છે સ્વજન ?
ભાવો નથી જે શબ્દનાં રૂપે ન અવતરે;
તારું ને મારું એજ તો બસ સામ્ય છે સ્વજન.
નવધા ગણે છે ભક્તિ જે નવ નવ તું અંગની---
એમાં યે એક અંગ તે આ દાસ્ય છે સ્વજન!
લખવું અને વહી જવું ઝળહળ સમીર જેમ
આ મારું રોજ જાગવું નવજાત્ય છે સ્વજન.
એવી જ છું હું પટકથા ને પાત્ર પણ સહજ
તારાં વતી અમૂલ્ય એ પ્રાગટ્ય છે સ્વજન!
---------ગુણવંત ઉપાધ્યાય