* 'ઝરણું બોલે છે...'*
ઉત્તરની ટેકરીઓ પરથી
વાંકુંચૂંકું વહી સીધું હું દોડી આવું,
એકલું અટુલું કદી ન આવું ,
સાથે રજકણ, ઝાડી-ઝાખરાં ઘસડી લાવું,
અભિનવમાં હાલક-ડોલક
અભિનય સહ મુજ મધુર-
સંગીત સાંભળતાં ભૂલકાંઓ;
લંબાવી હાથ જાણે મને બોલાવતાં ન હોય !
હું કોમળ-કોમળ અંગોને સ્પર્શવા
ખળખળ વહેતું રહું હોંશે હોંશે...
વહાલાં ! પંખીડાં આવી મારી કને
ઊભાં-ઊભાં નિહાળતાં મને,
વાતો કરતાં, સવારી કરતાં નીર મહીં
અને હું ગેલમાં આવી જતું !
ઊગમણું થોડું વહી ફરી ડાબું
પડખું ફેરવી સીધું તીર કાપતું,
એવામાં આબાલવૃદ્ધ, યુવાન હૈયાની
સિંચકારીઓ ઘેલી કરતી મને...
મુજ હૃદય મધુમિલન કાજે તલપાપડ બનતું,
જયારે સસલાં, વરુ અને હરણાં
તથા સાવજ, રીંછ જેવાં પંપાળતાં
ત્યારે થતી ગુદગુદી મને
અને હું જળની એક ચાલક શી
સ્પશૅ તેઓની આંખોને કરાવતું;
એ જોઈ ! મેઢક છાપરાં પર બેઠાં બેઠાં
ડ્રોંય-ડ્રોંય કરી મલકાતાં હતાં,
વહાલાં ! પશુઓ નયન ચોળીને
ઉપહાસ જોતાં જ ડેઢકાં નીરમાં
કૂદી પડતાં તવ ઘડી મીન હસતી
કમલિની કને અને છાપરાં પાસે
કરચલો બુદબુદા કરતો જોઈ ને-
ફરી હસવું આવી જતું મને...
પછી જોઈ રહેતાં પ્રાણીઓ બાવરાં બની
ને પગ પછાડતાં, જાણે -
દાદુરને ચેલેન્જ આપતાં ન હોય !
હવે, જરા આગે ટેકરીપરથી
મારે અવતરણ કરવાનું રહેતું.
ઝૂકી નીચે કુદકો મારવાની
મારી ઇચ્છા તીર્વ બની
ને લીસોટાની જેમ મેં ભૂસકો માર્યો...
જાણે જઠાશંકરમાંથી નીકળતું ના હોઉં !
એવો નિજાનંદ થયો મુને,
પળમાં હેઠે ઊતરી આવી
અવનિના માનસપટ પર ખાબોચિયાં
ભરતું...હું અણામુખ સરકતું ધીમે ધીમે
જાણે, મોટી બહેનને મળવા જતું ન હોઉં !
અંતે હું, *મહીસાગરની* ગોદમાં ભળી જતું.
ચાર દિનનું ચાંદરણું હોય,
ને પછી ઘોર અંધારું *‘તિર્યંચ’*
ભલે, હું નાનું રહ્યું, ભાઈ !
મુજ વાતમાં પણ સંવાદ છે ?
. *-- જિતેન્દ્રકુમાર બિ. બિલવાલ*.