ગઝલ...કડવું વેણ બાળી નાખશે...!!!
એ કપટની શબ્દજાળી નાખશે,
વાત બીબાંઢાળ ઢાળી નાખશે.
ક્યાં જરૂરત લાકડાં ને આગની,
એક કડવું વેણ બાળી નાખશે.
સુખ વહેંચીને જ સુખને પામવું,
દુખ જગતનો તાત ખાળી નાખશે.
વાર છે વાસીદું વાળે એટલી,
મા જ મારી બીક વાળી નાખશે.
એટલો દમદાર પાલવ માઈનો,
ધોમ તડકા નેય ગાળી નાખશે.
-અશોક વાવડીયા
છંદ= રમલ બહર નો ૧૯ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન