ઘરની સફાઈ કરતાં,
અરે!જાણે કેટલુંય મળી આવ્યું!
હાથો ને લકવો અને આંખોને અંધારા ફૂટ્યા!
કોઈ સફાઈ નો'તું કરતું! કોણ કરે?
ચૂડીઓના ટૂકડા,ચાંદલા,સિંદૂર,તૂટેલો અરીસો;
ડૂસકાં ભરતું પીઠીનું સાવ નાના બાળ જેવું પડીકું!
એ એક દા'ડાથી ઉદાસીને વળેલું પાનેતર...
સૂકીભઠ થયેલી મહેંદીનો વાટકો..
પેલા ઘોડિયાને તો વા' હિંચોળે.
પાણિયારું સાવ ઉજ્જડ..બેડાં ય ભેંકાર રો'તાં
ઓલી ઓસરી! ..ને એમાંય..
એક મેલી થયેલી ઢીંગલી,ઘસાયેલા પાંચીકડા,
પછી સાવ...મારી ઉજાગરાભરી આંખોમાંથી
હા! એ રાતી આંખોમાંથી નીતરતી દીકરી..
તારું નખ્ખોદ જાય ભગવાન!
ઘરની સફાઈ કરતાં,
અરે!જાણે કેટલુંય મળી આવ્યું!
કોઈ સફાઈ નો'તું કરતું! કોણ કરે?
-શૈલેશ ચૌધરી